શનિદેવનો પ્રભાવ-ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યની કથા

એક દિવસે બધા ગ્રહ એકઠા થયા. વિવિધ વિષયો માટે વાર્તાલાપ કરતા હતા. એવામાં એક વિષય પર આવી સૌ અટકી ગયા કે “આપણામાં સૌથી સન્માનિત ગ્રહ કયો છે ? તેઓ અંદરોઅંદર તર્ક-વિતર્ક કરવા લાગ્યા પણ કોઈ નિર્ણય થયો નહિં. તેથી બધા ગ્રહો આ નિર્ણય માટે ઇન્દ્ર દેવ પાસે ગયા.

ઇન્દ્ર પણ વિસ્મયમાં પડી ગયા. તેમને પણ લાગ્યું કે જો તે કોઈ એક ગ્રહને સન્માન આપી શ્રેષ્ઠ જાહેર કરશે તો અન્ય ગ્રહો તેમના પર કોપાયમાન થશે. થોડા વિચાર પછી ઇન્દ્રને યુક્તિ મળી. તેમણે બધા ગ્રહોને કહ્યું કે, “હે સૂર્યપુત્ર ગ્રહો ! માન્યવરો! હું આ પ્રશ્ર્નનો ઉત્તર આપવા અસમર્થ છું પણ પૃથ્વી નિવાસી ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય તમારા પ્રશ્ર્નનો ઉત્તર આપવા સમર્થ છે. તેની પાસે જાઓ. બધા ગ્રહો ઇન્દ્રદેવના સૂચનથી રાજા વિક્રમાદિત્ય પાસે જાય છે.

પૃથ્વી પરના રાજાઓમાં રાજા વિક્રમાદિત્ય તેમના ન્યાય માટે પ્રસિદ્ધ હતા. તેમણે જોયું કે બધા ગ્રહ તેમના રાજદરબારમાં આવી રહ્યા છે. તેમણે તેમના આસન પરથી ઊભા થઈ ગ્રહોને માન સન્માન સાથે આવકાર્યા અને આસન ગ્રહણ કરવા કહ્યું પણ ગ્રહોએ આસન સ્વીકાર્યું નહીં અને કહ્યું કે, ‘હે રાજા, તમે અમારામાં સૌથી સન્માનિત-ઉચ્ચ ગ્રહ કયો છે તેનો ન્યાય નહીં કરો ત્યાં સુધી આસન પર બેસીશું નહી !’

રાજા વિક્રમાદિત્ય પણ આ પ્રશ્નથી વિસ્મય પામ્યા. કરવું શું? આ પ્રશ્નના ઉકેલ માટે તેમણે એક યુક્તિ કરી. રાજાએ તેમના સિંહાસનથી દરબારના દ્વાર સુધી એક લાઈનમાં સિંહાસનો ગોઠવ્યાં. કહ્યું કે હું નિર્ણય ન કરું ત્યાં સુધી તમારે સિંહાસન સ્વીકારવું નહીં.

એવામાં બૃહસ્પતિ દોડતા-દોડતા વિક્રમના સિંહાસનની નજીક બેસી ગયા. તેના આગળના સિંહાસન પર સૂર્ય, તેની પછી ચંદ્રમા, પછી મંગળ ક્રમશ: રાહુ અને કેતુ બેઠા. શુક્રદેવ આઠમા સ્થાને બેઠા.

હવે છેલ્લું અંતિમ સ્થાન બચ્યું હતું અને શનિદેવ પણ રાજાના નિર્ણયની રાહ જોતા ઊભા રહ્યા હતા. રાજા વિક્રમે શનિદેવને કહ્યું કે, ‘દ્વાર પાસેના સિંહાસન પર વિનમ્રતાથી જે બેસશે, તે સર્વશ્રેષ્ઠ સન્માનિત ગ્રહ છે. તેથી શનિ-મહારાજ દ્વાર પાસેનું સિંહાસન આપ ગ્રહણ કરો. મારા નિર્ણયમાં આપ શ્રેષ્ઠ જ છો.’ પણ શનિદેવ ત્યાં બેઠા નહિ. આથી બધા ગ્રહો હસવા લાગ્યા.

શનિદેવને પોતાનું અપમાન થયું હોવાનું લાગ્યું. તેથી શનિદેવ ક્રોધિત થયા અને બધા ગ્રહોને કહ્યું કે, ‘તમે આ રીતે મારું અપમાન કરી ઠીક કર્યંુ નથી. તમે મને શું સમજો છો? તમે મને અંતમાં બેસાડવા અહીં લાવ્યા છો ? એક વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રાશિમાં ચંદ્ર સવા બે દિવસ (૨.૨૫ દિવસ); સૂર્ય, બુધ અને શુક્ર ૧૫ દિવસ; મંગળ બે મહિના, ગુરુ ૧૩ મહિના તથા રાહુ અને કેતુ ૧૮ મહિના સુધી રહે છે જ્યારે હું સાડા-સાત વર્ષ (૭.૫ વર્ષ) રહું છું.

તેથી તમારે પણ મારા અપમાનનો દંડ સહન કરવા તૈયાર રહેવું પડશે. ત્રણે લોકના જાતક (જન્મ લેનાર) પર મારો પ્રભાવ મોટો છે. મારી સાડા-સાતી રાજાને તેનાં દુષ્કર્મોથી રંક અને રંકને તેના સદ્કર્મોથી રાજા બનાવી શકે છે. મારી સાડા-સાતી પનોતીના દંડથી કોઈ બચી શકશે નહી. પણ દુષ્કર્મો છોડી સત્કર્મો તરફ ગતિ કરનાર જાતકની દંડની અવધિ ઘટાડું છું. એક દિવસથી માંડી સાડા-સાત વર્ષ સુધી મારા દંડની અવધિ છે.

ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને પણ ન્યાય આપવામાં શનિદેવ માટે જે યુક્તિ અજમાવી હતી તેનો દંડ પણ ભોગવવો પડ્યો. રાજાને પણ શનિની સાડા-સાતીમાંથી પસાર થવું પડ્યું. રાજાનું રાજ્ય બરાબર ચાલતું હતું. તે સુખી હતો. એવામાં તેના રાજ્યમાં ઘોડાનો વેપારી આવે છે.

રાજા તેની પાસેથી ભંવર નામનો સુંદર ઘોડો ખરીદે છે. આ ઘોડો લઈ રાજા વનમાં વિહાર કરવા જાય છે ત્યારે અચાનક આ ઘોડો રાજાને વનમાં મૂકી ચાલ્યો જાય છે. રાજા વનમાં ભટકે છે. દુ:ખના દિવસો શરૂ થયા. ત્યારબાદ અનેક ઘટનાઓ તથા પ્રસંગોમાંથી દુ:ખ વેઠતો રાજા વિક્રમ રંક સમાન બને છે. સાડા-સાત વર્ષ પૂર્ણ થતાં પુન: રાજા માટે સુખના દિવસો શરૂ થયા.’

નવ ગ્રહોના ક્રમમાં શનિનું સૂર્યથી સર્વાધિક અંતર અઠ્યાસી કરોડ, એકસઠ લાખ માઈલ છે. પૃથ્વીથી શનિનું અંતર ઈકોતેર કરોડ, એક્તાલીસ લાખ, ત્યાસી હજાર માઈલ છે.

શનિને પંદર ચંદ્ર છે. જેમનો વ્યાસ પૃથ્વી કરતાં પણ અનેકગણો છે. મનુષ્યની જન્મકુંડળીના બાર સ્થાનોમાં શનિ દેવના પ્રભાવનો ફળાદેશ પણ જીવનમાં આવી પડેલ સુખ-દુ:ખનું વિવરણ છે, જેથી મનુષ્યને તેના જન્મોજન્મનાં કર્મોનાં ફળોનું જ્ઞાન થાય છે. જીવનમાં આવેલ દુ:ખોનાં નિવારણ માટે શનિનો બીજ મંત્ર પણ છે જેના જાપથી સાંત્વન મળે છે.
બીજ મંત્ર
ૐ શં શનૈશ્ચરાય નમ: ॥
ૐ પ્રાં પ્રીં પ્રૌ સ:
શનૈશ્ચરાય
નમ: ॥

You might also like