Header

જેની ધોલાઈ કરતો હતો એ ભારતીય બોલિંગ આક્રમણે કૂકની કરિયર જોખમમાં મૂકી દીધી

સાઉથમ્પ્ટનઃ ઈંગ્લેન્ડના સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેન એલિસ્ટર કૂકનું બેટ હાલ શાંત થઈ ગયું છે. ભારત સામે વર્તમાન શ્રેણીમાં ઈંગ્લેન્ડને પોતાના શ્રેષ્ઠ બેટ્સમેન પાસેથી સારા પ્રદર્શનની આશા હતી, પરંતુ તેણે પોતાની ટીમને નિરાશ કરવા ઉપરાંત પોતાના ચાહકોને પણ દુઃખી દુઃખી કરી નાખ્યા છે. ચોથા ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં તે માત્ર ૧૩ રન બનાવીને હાર્દિક પંડ્યાનો શિકાર બની ગયો.

હવે સમગ્ર શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ અવાજ ઊઠવા માંડ્યો છે કે તેણે હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ, કારણ કે તે ઈંગ્લેન્ડની ટીમ પર બોજ બની રહ્યો છે.

એક સમયે સચીન તેંડુલકરના ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રનના રેકોર્ડનો પ્રબળ દાવેદાર મનાતો કૂક હવે એક એક રન માટે ઝઝૂમી રહ્યો છે. ભારત સામે વર્તમાન શ્રેણીમાં કૂકે છ ઇનિંગ્સમાં ૧૬.૧૬ની સરેરાશથી માત્ર ૯૭ રન જ બનાવ્યા છે.

વર્તમાન શ્રેણીમાં કૂકનો સર્વોચ્ચ સ્કોર ૨૯ રનનો જ રહ્યો છે. હવે આવા કંગાળ પ્રદર્શન બાદ કૂકનું ટીમમાં સ્થાન સલામત રહે એવું લાગતું નથી. એવું નથી કે કૂકનું બેટ આ શ્રેણી જ શાંત રહ્યું છે. ૨૦૧૮માં કૂક નવ ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં તેણે ૨૦થી ઓછી સરેરાશથી ફક્ત ૨૮૬ રન બનાવ્યા છે.

આ વર્ષે તેણે માત્ર એક અર્ધસદી ફટકારી છે. હવે બધા ચાહકોનો સવાલ છે કે ક્યાં સુધી જૂના પ્રદર્શનના આધાર પર ઈંગ્લેન્ડની ટીમ આ ખેલાડીને તક આપતી રહેશે. કૂક અત્યાર પોતાની ટેસ્ટ કરિયરમાં ૧૬૦ મેચ રમ્યો છે, જેમાં તેણે ૪૫ની સરેરાશથી ૧૨,૨૩૮ રન બનાવ્યા છે.

કૂકે ૩૨ સદી અને ૫૬ અર્ધસદી ફટકારી છે. હવે આ રેકોર્ડ બતાવે છે કે તેની ફક્ત ઈંગ્લેન્ડનો જ નહીં, બલકે દુનિયાના મહાન બેટ્સમેનોમાં ગણના થાય છે, પરંતુ વર્તાન શ્રેણીમાં જે રીતે કૂક એકસરખી રીતે આઉટ થતો રહ્યો છે તેના કારણે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. કૂક પર હવે વધતી ઉંમરનો પ્રભાવ પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

જે ભારતીય બોલિંગ આક્રમણની જોરદાર ધોલાઈ કરતો હતો એણે જ હવે કૂકની કરિયર ખતમ કરી નાખવાના આરે લાવી દીધી છે.

આ શ્રેણીમાં અશ્વિન અને ઈશાંતે આ બેટ્સમેનને ક્રિઝ પર લાંબો સમય સુધી ઊભા રહેવાની કોઈ તક આપી નથી. દરેક મેચની દરેક ઇનિંગ્સમાં તેની પાસેથી વાપસીની આશા રાખવામાં આવે છે, પરંતુ આ બેટ્સમેનના બેટે જાણે કે સોગંદ ખાધા છે કે તેના બેટમાંથી રન નહીં જ નીકળે.

You might also like