કેન્દ્રની વધુ એક ભેટઃ ગ્રેચ્યુઈટી પર ઈન્કમટેક્સ છૂટ બમણી કરી

(એજન્સી)નવી દિલ્હી: લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે મોદી સરકારે લોકોને એક વધુ ભેટ આપી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ એવી જાહેરાત કરી છે કે રૂપિયા ૨૦ લાખ સુધીની ગ્રેચ્યુઈટી પર ઈન્કમટેક્સ ચૂકવવો પડશે નહીં. અગાઉ આ મર્યાદા રૂ. ૧૦ લાખ સુધીની હતી. આમ મોદી સરકારે ગ્રેચ્યુઈટી પર આવકવેરા મુક્તિની મર્યાદા બમણી કરી છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે આ માટે ઈન્કમટેક્સ એક્ટની કલમ-૧૦(૧૦)(iii) માં સુધારાે કરવામાં આવશે અને આ એક્ટ હેઠળ ગ્રેચ્યુઈટીની રકમ પર ઈન્કમટેક્સ મુક્તિ મર્યાદા વધારવામાં આવશે. કેન્દ્ર સરકારના આ પગલાથી જાહેર ક્ષેત્રના તમામ કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓને ફાયદો થશે, જેઓ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ આવતા નથી. નાણાં પ્રધાન અરુણ જેટલીએ ક્વિટ કરીને આ સરકારના આ નિર્ણયની જાણકારી આપી હતી.

જેટલીએ વધુમાં જણાવ્યું છે કે કરમુક્ત ગ્રેચ્યુઈટીની મર્યાદા બમણી કરીને ૨૦ લાખ કરવાના નિર્ણયનો લાભ જાહેર સાહસો અને ખાનગી ક્ષેત્રોના કર્મચારીઓને પણ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટમાં પાંચ વર્ષથી વધુ નોકરી થઈ હોય તેવા કર્મચારીઓ માટે કરમુક્ત ગ્રેચ્યુઈટીની મર્યાદા વધારીને રૂ. ૨૦ લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી કે જેઓ ગ્રેચ્યુઈટી એક્ટના દાયરામાં આવતા નથી.

સંસદે ગઈ સાલ જ ગ્રેચ્યુઈટી પેમેન્ટ (સુધારા) એક્ટ-૨૦૧૮ પાસ કર્યો હતો. આ સુધારા દ્વારા સરકારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરીને રૂ. ૨૦ લાખ સુધીની ગ્રેચ્યુઈટી કરમુક્ત કરવા અને નિયમિત સેવા અવધિ હેઠળ માતૃત્વ રજા નક્કી કરવાની સત્તા આપી હતી.

EPFમાં ભથ્થાં જોડવાથી બચત વધશે
જો તમે વધુ બચત કરવા માંગતા હો તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય તમારા માટે ફાયદાકારક પુરવાર થશે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક ચુકાદા હેઠળ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) કપાત માટે મુળ પગાર સાથે ડીએ, સ્પેશિયલ એલાઉન્સ અને અન્ય ભથ્થાં જોડવાનો આદેશ કર્યો છે. જે કર્મચારીઓનો બેઝિક સેલેરી રૂ. ૧૫૦૦૦થી ઓછી છે તેમના ભથ્થાં જોડ્યા બાદ વધુ રકમ બચત તરીકે જમા થઈ શકશે. જોકે તેના કારણે તેમનો ટેક ઓપ સેલેરી ઘટી જશે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર પીએફ કપાત માટે માત્ર કાયમી ભથ્થાંઓ જોડવામાં આવશે.

You might also like