ચાલતી કારનો કાચ તોડી ઘોડો અંદર ઘૂસી ગયો, રસ્તામાં ભાગદોડ

જયપુર: શહેરમાં કાલે બપોરે બનેલી ઘટનામાં બેકાબૂ ઘોડો દોડતો સામે અાવી રહેલી કારના બોનેટ સાથે ટકરાયો. પહેલાં તો કાર ચલાવી રહેલી વ્યક્તિ કંઈ સમજી ન શકી. ઘોડો કારનો અાગળનો કાચ તોડી કારની અંદરની સીટ પર અાવી ગયો. અા ઘટનામાં કારમાં સવાર વ્યક્તિના હાથ અને પગ ઘોડાની નીચે દબાઈ ગયા, જોકે તેને ગંભીર ઇજા થઈ ન હતી.
શહેરના એક વિસ્તારમાં કોઈ ઘોડાગાડીવાળાઅે પોતાનો ઘોડો રસ્તાની એક બાજુ બાંધ્યો હતો. ઘોડાના મોં પર ચારાની પોટલી બાંધેલી હતી. બપોરના સમયે ૪૨.૪ ડિગ્રી ગરમીમાં બાંધેલો ઘોડો ગરમી સહન ન કરી શકતાં દોરડું તોડી ભાગી છૂટ્યો. ચારાની પોટલી મોં પર બાંધેલી હતી. તેથી ભાગવાના કારણે અાંખો પર ચઢી ગઈ. ગરમીના કારણે કંટાળી ગયેલા ઘોડાને દેખાતું પણ ન હતું. તેથી તે વધારે ગુસ્સે થયો. રસ્તા પર અામતેમ ભાગવા લાગ્યો. અા દરમિયાન બે બાઈકસવાર સાથે પણ ટકરાઈ ગયો. બાઈકસવાર જખમી થયા.

તેમ છતાં પણ ઘોડો રોકાયો નહીં. બાઈક સાથે ટકરાવાના કારણે તે વધુ ગભરાઈને ભાગવા લાગ્યો. ઘોડાની અાંધળી દોડ જોઈને રસ્તા પર ચાલતા લોકો ગભરાઈ ગયા. રસ્તા પર બૂમાબૂમ થવા લાગી. લોકો ઘોડા પર પાણી ફેંકવા લાગ્યા, પરંતુ તે કાબૂમાં ન અાવ્યો. એટલામાં શહેરની એક વ્યક્તિની કાર સાથે ભાગતો ઘોડો બોનેટ પર અાવીને ટકરાયો. તે કાંઈ સમજી શકે તે પહેલાં ઘોડો કારના વિન્ડસ્ક્રીન તોડીને કારની અંદરની સીટ પર અાવી ગયો. ત્યાં હાજર લોકોઅે ખૂબ જ મુશ્કેલીથી કારની લેફ્ટ સાઈટનો દરવાજો તોડીને ખેંચતાણ કરીને ઘોડાને કારમાંથી બહાર કાઢ્યો. કારને ખાસ્સું એવું નુકસાન થયું અને ઘોડો પણ જખમી થયો. ઇજા થયા બાદ ઘોડો એકદમ શાંત થઈ ગયો. લોકોઅે તેને પકડ્યો, બાંધ્યો અને પોલીસને બોલાવ્યા. લોકોઅે ખૂબ જ મુશ્કેલીથી ઘોડા અને કારચાલકને બહાર કાઢ્યાં.

http://sambhaavnews.com/

You might also like