IPLમાં સૌથી વધુ સદી RCB તરફથી નોંધાઈ, પણ ટીમ હજી ટ્રોફીથી વંચિત

આઇપીએલના ઇતિહાસમાં કુલ ૪૯ સદી નોંધાઈ ચૂકી છે

પુણેઃ શેન વોટ્સને ગત શુક્રવારે ૧૭મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારીને આઇપીએલને ફરી એક વાર સુપરહિટ શો બનાવી દીધો. ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર ક્રિસ ગેઇલે ફક્ત ૫૭ બોલમાં નવ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૧૦૬ રન ઝૂડી કાઢ્યા હતા. ગેઇલની આ વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી રાજસ્થાન રોયલ્સને એકતરફી મેચમાં કારમો પરાજય આપ્યો હતો. વોટ્સનની એ સદી આઇપીએલ ઇતિહાસની ૪૯મી સદી હતી.

ભલે વોટ્સનની સદીએ ચેન્નઈને જીત અપાવી દીધી હોય, પરંતુ એક આંકડો એવો સામે આવ્યો છે, જે સાબિત કરે છે કે આઇપીએલમાં બેટ્સમેનોની સદી ટીમ માટે બદનસીબ પુરવાર થાય છે. જી હા, આ એક સત્ય છે. જ્યારે કોઈ બેટ્સમેન સદી ફટકારે ત્યારે ખેલાડી અને ટીમ માટે ખુશીની પળ હોય છે, પરંતુ આઇપીએલમાં તેની કહાણી સંપૂર્ણપણે ઊલટી સાબિત થાય છે.

આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ૧૨ સદી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટ્સમેનોએ ફટકારી છે, પરંતુ આ ટીમ હજુ સુધી આઇપીએલનો ખિતાબ જીતી શકી નથી. સદી ફટકારવાના મામલે બીજા નંબર પર કિંગ્સ ઈલેવન પંજાબ છે, પરંતુ આ ફ્રેંચાઇઝી પણ આઇપીએલની ટ્રોફી જીતી શકી નથી.

સૌથી મોટી વાત તો એ છે કે ત્રીજા નંબર પર આ લિસ્ટમાં દિલ્હી ડેરડેવિલ્સ છે, જેના ઘણા બેટ્સમેનોએ સદી ફટકારી છે, પરંતુ દિલ્હી પણ અત્યાર સુધી ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી છે. આ આંકડા એ સાબિત કરે છે કે બેટ્સમેનોની સદી ટીમ માટે કારગર સાબિત થઈ નથી.

આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કુલ ૪૯ સદી નોંધાઈ ચૂકી છે, જેમાં આરસીબીના બેટ્સમેનોએ કુલ ૧૨ સદી ફટકારી છે, જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેનોએ ૧૦ સદી નોંધાવી છે. દિલ્હી ડેરડેવિલ્સના સાત બેટ્સમેનોએ ત્રણ આંકડાનો સ્કોર નોંધાવ્યો છે. દિલચસ્પ વાત એ છે કે આ ત્રણેય ટીમ હજુ સુધી આઇપીએલની ટ્રોફી પોતાના હાથમાં ઊંચકી શકી નથી.

ચોથા નંબર પર ચેન્નઈ સુપર કિંગ્સ છે, જેના ખાતામાં છ બેટ્સમેનોની સદી નોંધાઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ ચાર-ચાર સદી સાથે પાંચમા, ડેક્કન ચાર્જર્સ અને રાઇઝિંગ પુણે બે-બે સદી સાથે છઠ્ઠા અને કેકેઆર તેમજ એસઆરએચ એક-એક સદી સાથે સાતમા સ્થાન પર છે.

આઇપીએલ ખિતાબ જીતવાના મામલે મુંબઈ ઇન્ડિયન્સ ટોચના સ્થાને છે. મુંબઈએ ત્રણ વાર ટ્રોફી જીતી છે. કેકેઆર અને સીએસકેએ બે-બે વાર ખિતાબ જીત્યો છે. રાજસ્થાન રોયલ્સ, ડેક્કન ચાર્જર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે એક-એક વાર ટ્રોફી ઊંચકવાનું સન્માન મેળવ્યું છે.

You might also like