છેલ્લા દશકામાં ફેબ્રુઆરીની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ ૨૦૧૫માં નોંધાયો હતો

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં ચાર ડિગ્રી જેટલો વધુ હતો. એટલે સ્વાભાવિકપણે અમદાવાદીઓ પ્રખર તાપથી રાડ પાડી ઊઠ્યા હતા. જો કે ગરમીની તીવ્રતામાં આગામી દિવસોમાં થોડોક ઘટાડો થાય તેવી શકયતા સ્થાનિક હવામાન વિભાગની કચેરીએ દર્શાવી છે દરમ્યાન છેલ્લાં દશ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં પડેલી ગરમીનો રેકોર્ડ તપાસતાં ગત તા.ર૪ ફેબ્રુઆરી, ર૦૧પએ શહેરમાં ૩૭.૮ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનનો છે.

અમદાવાદીઓ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર-પૂર્વ દિશાના બરફીલા પવનની દિશા ફંટાઇ જવાથી હાડ થિજાવતી ઠંડીને મામલે રાહત અનુભવી રહ્યા છે હવે દક્ષિણ-પૂર્વ દિશાના પવન ફૂંકાઇ રહ્યા છે. જો કે લઘુતમ તાપમાનમાં આગામી બે દિવસમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.

જો કે ગઇ કાલે તો નાગરિકો ઉનાળાની ગરમીનો અહેસાસ થયો હતો આ સંજોગોમાં છેલ્લાં દશ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વિગત તપાસતાં ગત વર્ષ ર૦૧૮માં તા.ર૮મીએ ૩૬.પ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

છેલ્લાં દશ વર્ષમાં ગરમીનો મહત્તમ તાપમાનનો પારો ૩૪.૮ ડિગ્રીથી વચ્ચે રહ્યો છે. જો કે ફેબ્રુઆરી મહિનાની ગરમીનો ઓલટાઇમ રેકોર્ડ ગત તા.ર૮ ફેબ્રુઆરી, ૧૯પ૩એ નોંધાયેલી ૪૦.૬ ડિગ્રીનો છે.

You might also like