ટ્રેનના ડબા પર ચડી સેલ્ફી લેવા જતાં બે કિશોરને હાઈટેન્શન લાઈનનો કરંટ

(અમદાવાદ બ્યૂરો)
સુરત: લિંબાયત વિસ્તારમાં મન્સૂરી હોલ નજીક ટ્રેનના ડબ્બા પર ચઢી સેલ્ફી લેવા જતા બે કિશોર હાયટેન્શન લાઈનના વીજ કરંટથી દાઝી ગયા હતા. ઘટનાની જાણ બાદ લોકોના ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ૧૦૮ની મદદથી બન્ને બાળકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.મહ્ત્વપૂર્ણ છે કે, આ વિદ્યાર્થી ધોરણ ૧૦માં અભ્યાસ કરતાં અને થોડા દિવસો બાદ તેમની પરીક્ષા છે.

૧૦૮ના કર્મચારીએ જણાવ્યું હતું કે, હાઈટેન્શન લાઈનના વીજ કરંટથી દાઝી ગયેલા બે પૈકી એક સમીર અબ્દુલ સલામ મન્સૂરી (ઉ.વ.૧પ) અને નઈમ શેખ રફિક (ઉ.વ.૧પ) રહે, મીઠી ખાડી લાલ બિલ્ડિંગ ખાતે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. આજે સવારે લીંબાયત મન્સૂરી હોલ નજીક રેલવે ટ્રેક પર માલગાડી ઉપર ચડીને સેલ્ફી લેવા જતા વીજ કરંટ લાગ્યો હતો. સમીરને કરંટ લાગતાં જોઈ બચવવા ગયેલા નઈમને પણ કરંટ લાગ્યો હતો. હાલ બન્ને કિશોરો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મોહમ્મદ અબ્દુલ સલામ મન્સૂરી (સામીના પિતા) એ જણાવ્યું હતું કે, સામી ધોરણ ૧૦ નો વિદ્યાર્થી છે. તા.૭થી તેની પરીક્ષા શરૂ થઈ રહી છે. પરિવારમાં સામીને બે નાના ભાઈ છે. તેઓ ઓટો રિક્ષા ચાલવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

જ્યારે નઇમ રફીક શેખ ને બે ભાઈ અને બે બહેન છે. પરિવારમાં તે સૌથી નાનો છે. આજે ૧૦-૧ર જેટલા મિત્રો સાથે રેલવે યાર્ડમાં ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારબાદ સામી ટ્રેનના ડબ્બા પર ચઢીને સેલ્ફી કે ટિકટોક વીડિયો બનાવવા જતા હાઈ ટેન્શન લાઈનના સંપર્કમાં આવી ગયો હતો. છોડાવવા જતા નઇમ પણ દાઝી ગયો હતો. હાલ સામીની તબિયત નાજુક હોવાનું તબીબો કહી રહ્યા છે.

You might also like