થલતેજમાં ગાયો પકડતી મ્યુનિ. ટીમને રોકીઃ એકની ધરપકડ

અમદાવાદ: શહેરમાં રખડતાં ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઊધડો લેતાં મ્યુનિસિપલ ઢોર અંકુશ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જોકે માલિકો દ્વારા ઢોર પકડવા જતી ટીમને પોલીસની હાજરીમાં અટકાવી ઢોર છોડાવવાની ઘટનાઓ બની રહી છે. થલતેજ એજ્યુકેશન ગ્રાઉન્ડમાં ગાયો પકડતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને ત્રણ શખ્સોએ રોકી હતી, જોકે ટીમ સાથે હાજર પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે બે શખ્સ ફરાર થઇ ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી બે શખ્સને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ ઢોર અંકુશ વિભાગની ટીમ ગઈ કાલે સવારે પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ સાથે વસ્ત્રાપુર વિસ્તારમાં રખડતાં ઢોરોને પકડવાની કામગીરી કરવા નીકળી હતી. થલતેજ એજ્યુકેશન ગ્રાઉન્ડમાં કેટલીક ગાયો અને ભેંસો રખડતી હોઈ ગાયોને પકડી ડબ્બામાં પૂરવામાં આવી રહી હતી ત્યારે બાઈક અને એક્ટિવા પર ત્રણ શખ્સો આવ્યા હતા. ત્રણેય શખ્સોએ ગાયોને ડબ્બામાં પૂરતી રોકી લીધી હતી, જેથી ત્યાં હાજર પીએસઆઈ જે.જે. યાદવ અને પોલીસ કોન્સ્ટેબલ દોડી આવ્યા હતા. પોલીસે તેઓને રોકતાં ત્રણેય શખ્સ એક્ટિવા અને બાઈક મૂકી નાસી છૂટ્યા હતા, જોકે પોલીસે મોહન રબારી (રહે. હરસિદ્ધનગર, એન.એફ.ડી સર્કલ પાસે)ને ઝડપી લીધો હતો. મોહન રબારીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં નાસી ગયેલા શખ્સ જીવો રબારી અને બકુ રબારી (રહે. હરસિદ્ધનગર, એન.એફ.ડી સર્કલ પાસે) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી ફરાર બે શખ્સની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like