GSTના નીલ રિટર્ન ભરનારા હવે SMSથી રિટર્ન ભરી શકશે

અમદાવાદ: જીએસટીમાં એક અંદાજ મુજબ ૨૫ ટકા વેપારીઓ દ્વારા નીલ રિટર્ન ભરવામાં આવે છે. આવા સંજોગોમાં જીએસટી નેટવર્ક પર રિટર્ન ભરવાનો લોડ ન પડે તથા બીજા વેપારીઓને રાહત મળે તે હેતુથી એસએમએસના માધ્યમથી રિટર્ન ભરવાની સુવિધા આપવામાં આવી શકે છે. શૂન્ય રિટર્ન એવા જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓ ભરે છે જેઓ ટેક્સમાં રાહત મેળવતા ઉત્પાદનોનો કારોબાર કરે છે અથવા તો તેઓનો કારોબાર ૨૦ લાખ રૂપિયા કરતાં પણ નીચે છે.

બિઝનેસ ટુ કન્ઝ્યુમર-બીટુસીના મામલે વેચાણકર્તાઓની સંખ્યા ઘણી મોટી છે. તેઓને મોબાઇલ એપ્લિકેશન દ્વારા રિટર્ન ભરવાની સરળ સુવિધા મળવી જોઇએ. જીએસટીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોર્ટલ પરનો બોજો ઓછો કરવા માટે નીલ રિટર્ન ભરતા વેપારીઓને એસએમએસ દ્વારા રિટર્ન ભરવાની સુવિધા આપવાની ભલામણ કરવામાં આવી છે.

રાજ્યમાં બે લાખથી વધુ વેપારીઓ નીલ રિટર્ન ભરી રહ્યાા છે
રાજ્યમાં એક અંદાજ મુજબ બે લાખથી વધુ વેપારીઓ નીલ રિટર્ન ભરી રહ્યા છે. આ વેપારીઓને જો એસએમએસ દ્વારા રિટર્ન ભરવાની સુવિધા આપવામાં આવે તો પોર્ટલ પરનો કાર્યબોજ હળવો થાય એટલું જ નહીં આ વેપારીઓને સમય અને ખર્ચમાં પણ રાહત મળે.

You might also like