સર્વિસ સેક્ટર માટે સરકારની સિંગલ GST રજિસ્ટ્રેશનની વિચારણા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ થયાને સાત મહિના કરતા પણ વધુનો સમય થઇ ગયો છે તેમ છતાંય જીએસટીના પોર્ટલ સહિતના વિવિધ ઈશ્યૂ હજુ ઉકેલી શકાયા નથી. સરકારે ઉકેલ આવે તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે, જેની પ્રક્રિયાના ભાગરૂપે દેશભરમાં સિંગલ ગુડ્સ એન્ડ સર્વિસ રજિસ્ટ્રેશન પ્રથા દાખલ કરવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ હાલમાં સર્વિસિસ કંપનીઓ જે જે રાજ્યમાં કામગીરી કરતી હોય તે દરેક જુદા જુદા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને તે અંગેનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રિટર્ન ભરવું પડે છે, પરંતુ સરકાર આ અંગે નડતી સમસ્યાને દૂર કરી સર્વિસિસ માટે સિંગલ જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા પણ વિચારણા હાથ ધરી છે.

સરકારે સિંગલ જીએસટી રજિસ્ટ્રેશન માટે જીએસટી કાઉન્સિલની મંજૂરી મેળવવી જરૂરી છે, જોકે સિંગલ રજિસ્ટ્રેશનનો નિયમ લવાય તો દેશના રાજ્યોએ પોતાની આવક ઘટવાનો ભય પણ વ્યક્ત કર્યો હતો અને તેના કારણે કાઉન્સિલની અગાઉની બેઠકમાં કેટલાક રાજ્યોએ સિંગલ જીએસટીની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વેલ્યૂ એડેડ ટેક્સ-વેટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટના ઉદ્યોગોએ દેશના જુદા જુદા રાજ્યોમાં જે તે રાજ્યોની ટેક્સ સિસ્ટમ પ્રમાણે વેટ ભરવો પડતો હતો. સર્વિસિસ સેક્ટરમાં પણ આવો નિયમ આવવાથી આ સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓને મોટા પ્રમાણમાં પેપર વર્ક કરવું પડે છે અને તેના કારણે સર્વિસિસ સેક્ટર સાથે સંકળાયેલ વેપારીઓ સિંગલ જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવા સરકારને માગ કરી રહ્યા છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૧૮મી જાન્યુઆરીની કાઉન્સિલની બેઠકમાં રિટર્ન સહિતના વિવિધ બેઝિક પ્રશ્નો સંબંધે કોઇ ઉકેલ આવી શક્યો નથી. કાઉન્સિલના સત્તાવાળાઓએ ૧૦ દિવસમાં આ પ્રશ્નના ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી. જોકે આગામી બજેટમાં આ અંગે ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરાઇ હતી.

You might also like