સરકાર હવે PFનું કોન્ટ્રિબ્યૂશન ઘટાડીને ટેક હોમ સેલરી વધારશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સોશિયલ સિક્યોરિટી કોન્ટ્રિબ્યૂશન એટલે કે પ્રોવિડન્ટ ફંડ જેવી બાબતમાં પગારમાંથી કર્મચારીના ફાળાને ઘટાડવાની તૈયારી કરી રહી છે.

આ માટે શ્રમ મંત્રાલયની એક સમિતિ કોન્ટ્રિબ્યૂશન લિમિટની સમીક્ષા કરી રહી છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સમિતિ આ મહિનાના અંત સુધીમાં ભલામણ તૈયાર કરી નાખશે અને ત્યારબાદ સોશિયલ સિક્યોરિટી માટે ઓછા ફાળાની ભલામણ આગળ મંજૂરી અર્થે રજૂ કરશે.

એક અનુમાન અનુસાર કર્મચારીના પીએફ ફાળામાં ઓછામાં ઓછો બે ટકાનો ઘટાડો થઇ શકે છે. આ પહેલ હેઠળ કંપનીઓના ફાળામાં પણ ઘટાડો આવશે.

સમિતિની ભલામણો આવ્યા બાદ શ્રમ મંત્રાલય આ અંગે તમામ પક્ષકારો સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેમાં કરવામાં આવનાર ફેરફારને આખરી ઓપ આપવા સોશિયલ સિક્યોરિટી કોડનો ભાગ બનાવવામાં આવશે.

અત્યારે સોશિયલ સિક્યોરિટી કોન્ટ્રિબ્યૂશન કર્મચારીના મૂળ પગારના ૨૪ ટકા જેટલું છે તેમાં કર્મચારીનો બાર ટકાનો હિસ્સો અને કંપની તેમાં બાર ટકા પોતાનો ફાળો આપે છે, જે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં જાય છે.

આ નાણાં પેન્શન એકાઉન્ટ, પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ અને ડિપોઝિટ લિન્ક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમમાં વહેંચવામાં આવે છે. આ બદલાવ બાદ એમ્પ્લોઇ અને કંપની બંનેમાંથી દરેકનો ફાળો ઘટીને ૧૦ ટકા થઇ જશે. તેના કારણે કર્મચારી અને કામદારોને વધુ પગાર મળશે.

જે યુનિટમાં ૨૦થી ઓછા લોકો કામ કરે છે તેમના માટે પહેલાંથી જ ૧૦ ટકાના કોન્ટ્રિબ્યૂશનનો નિયમ લાગુ પડે છે. હવે આ નિયમ તમામ કંપની અને સંસ્થાઓને લાગુ પાડવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે અમે સોશિયલ સિક્યોરિટી કવરેજ વધારી રહ્યા હોવાથી આ નિર્ણય તમામના હિતમાં હશે.

You might also like