ગુજકોક બિલ કેન્દ્ર સરકારે પરત મોકલ્યું

ગાંધીનગર : રાજ્ય સરકારના આતંકવાદ વિરોધી બિલ ગુજકોકને કેન્દ્ર સરકાર દ્વારા પરત મોકલાયું હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રે ફરીથી એક વખત આ બિલને પરત મોકલાવતા આ બિલ ગુંચવણમાં મુકાયું છે.ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ બિલ, ૨૦૧૫ એટલે કે ગુજકોક બિલને ગુજરાત વિધાનસભાએ ગત માર્ચ, ૨૦૧૫માં પસાર કર્યું હતું. જો કે તે વખતે કોંગ્રેસે આ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

જો કે આ બિલ કાયદાની કેટલીક જોગવાઇઓના કારણે વિવાદાસ્પદ બન્યો છે. પોલીસ તંત્રને ટેલિફોનિક વાતચીતને રેકર્ડ કરવાની તેમજ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવાની સત્તા આ બિલ હેઠળ મળે છે. ગત માર્ચ, ૨૦૧૫માં ગુજરાત વિધાનસભાએ ગુજકોક બિલને સંશોધિત રૂપ આપ્યું હતું.અગાઉ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (ગુજકોક) ૨૦૦૩ને વિધાનસભામાં મંજૂરી અપાઇ હતી, પરંતુ આ બિલને તત્કાલિન રાષ્ટ્રપતિએ કેટલીક વિવાદાસ્પદ કાયદાકીય જોગવાઇના કારણે નામંજૂર કર્યું હતું.

કોંગ્રેસ દ્વારા આતંકવાદના ઓઠા હેઠળ રાજ્ય સરકાર રાજકારણ રમવા માંગે છે તેવા તે સમયે આક્ષેપ પણ કર્યા હતા. તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે પણ બિલને રાજ્ય સરકાર તરફ પરત મોકલાવ્યું હતું.હવે ગુજકોક બિલ ફરીથી એકવાર અટવાયું છે.

રાજ્ય સરકાર અને રાષ્ટ્રપતિ વચ્ચે બિલ અટવાતા બિલનું ભાવિ ધૂંધળું બન્યું છે. કોંગ્રેસના ઉગ્ર વિરોધના પગલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગુજકોક બિલ રાજ્ય સરકારને પરત મોકલાવતાં પુનઃ આ બિલ વિવાદાસ્પદ બન્યું છે.

You might also like