ગરીબ સવર્ણોને અનામતઃ બંધારણ સુધારા બિલ પર સંસદમાં આજે સરકારની અગ્નિ કસોટી

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામત આપવા પર મંજૂરીની મહોર મારી દીધી છે. આ નિર્ણય હેઠળ સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે આર્થિક આધારે ૧૦ ટકા અનામત આપવામાં આવશે.

ગઇ કાલે કેબિનેટે મંજૂરીની મહોર માર્યા બાદ આજે આ સંદર્ભમાં બંધારણ સુધારા વિધેયક સંસદમાં પેશ કરવામાં આવશે. આમ આરક્ષણ પર આજે ઐતિહાસિક દિવસ છે અને ભાજપે પોતાના તમામ સાંસદોને ગૃહમાં ઉપસ્થિત રહેવા વ્હિપ જાહેર કર્યો છે. આ અગાઉ કોંગ્રેસે પણ પોતાના સાંસદો માટે સોમવારે અને મંગળવારે સંસદમાં ઉપસ્થિત રહેવા વ્હિપ જાહેર કર્યો હતો.

દરમિયાન કોંગ્રેસ અને બસપા બંનેએ સવર્ણોને અનામત આપવાના સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જોકે સંસદના શિયાળુ સત્રનો મોટા ભાગનો સમય રાફેલ ડીલ પર હંગામા અને હોબાળા વચ્ચે વીત્યો છે. આજે સંસદીય સત્રનો આખરી દિવસ છે એવામાં સરકાર સમક્ષ આ વિધેયક રજૂ કરીને પાસ કરાવવું એ એક પડકાર છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકાર આ વિધેયકને પાસ કરાવવા માટે સંસદીય સત્ર લંબાવવા પર વિચારણા કરી શકે છે. રાજ્યસભાની કાર્યવાહી પણ એક દિવસ એટલે કે બુધવાર સુધી લંબાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો સરકાર બંધારણીય સુધારા વિધેયકને લાગુ કરવા માગતી હોય તો તેને લોકસભા અને રાજ્યસભા બંનેમાં પાસ કરાવવું જરૂરી છે.

લોકસભામાં તો એનડીએ સરકાર પાસે બહુમતી છે, પરંતુ રાજ્યસભામાં વિપક્ષોની સ્થિતિ મજબૂત છે અને તેથી આ વિધેયક પાસ કરાવવા માટે સરકારની અગ્નિ કસોટી થશે તે નિશ્ચિત છે, જોકે કોંગ્રેસ અને બસપા બંનેએ સવર્ણોનેે ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયને સમર્થન આપ્યું હોવાથી વિધેયક પાસ કરાવવામાં બહુ મુશ્કેલી પડશે નહીં.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને માસ્ટર સ્ટ્રોક એટલા માટે માનવામાં આવી રહ્યો છે કે કેટલાય પક્ષો પહેલાંથી જ ગરીબ સવર્ણો માટે અનામતની માગણી કરી રહ્યા હતા. આ જ કારણસર કોઇ પણ રાજકીય પક્ષે મોદી સરકારના આ નિર્ણયનો જોશભેર વિરોધ કર્યો નથી, પરંતુ ચૂંટણી પહેલાં જાહેરાત કરવાથી સરકારના ઇરાદા સામે સવાલો ઊભા થયા છે.

કોંગ્રેસે જોકે સ્પષ્ટ કરી દીધું છે કે પક્ષ મોદી સરકારના આ નિર્ણયને સમર્થન આપશે, પરંતુ નરેન્દ્ર મોદી યુવાનોને રોજગાર કયારે આપશે? એવો અહમ સવાલ ઉઠાવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે કેન્દ્ર સરકારના આ નિર્ણયના ટાઇમિંગ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસ ઉપરાંત અન્ય કોઇ પક્ષોએ પણ સરકારના આ નિર્ણયનો સીધો વિરોધ કર્યો નથી. કોંગ્રેસે આ નિર્ણયને ચૂંટણી જુમલાબાજી તરીકે ગણાવીને એવો આક્ષેપ કર્યો છે કે સામાન્ય ચૂંટણી પહેલાં સરકાર માત્ર દેખાડો કરી રહી છે.

You might also like