કેશ ક્રાઈસિસઃ સંઘરાખોરો પર સરકારની ચાંપતી નજર

મુંબઇ: દેશનાં કેટલાંક રાજ્યમાં બેન્ક અને એટીએમ રોકડની અછતનો સામનો કરી રહ્યાં છે. સરકાર રોકડની સમસ્યાને દૂર કરવા ઝડપી જુદાં જુદાં પગલાં ભરી રહી છે. એક બાજુ ટેક્સ ઓથોરિટી રોકડની જમાખોરી કરતા લોકો સામે એક્શન લઇ રહી છે તો બીજી બાજુ આરબીઆઇએ કેશ સપ્લાય પણ વધારી દીધો છે.

સરકારે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ૩૦થી ૩૫ જગ્યાએ જમાખોરી સામે છાપામારી કરી હતી. બિહારમાં એટીએમ નેટવર્ક દ્વારા રૂ. ૮૦૦થી ૯૦૦ કરોડનો નાણાકીય ફ્લો વહેતો કર્યો છે. જોકે આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યમાં રોકડની સમસ્યા વધુ છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ છાપામારીમાં મળેલ રોકડ બહુ મોટી નથી, પરંતુ આવનારા દિવસોમાં આ ઓપરેશનને તેજ કરવામાં આવશે. તેની પાછળ રૂ. બે હજારની નોટની જમાખોરી ‘રોકડ અછત’નું મુખ્ય કારણ છે. સરકારને શંકા છે કે બ્લેક મની કરનારાઓ રૂ. ૨૦૦૦ની નોટની જમાખોરી કરી રહ્યા છે અને તેના કારણે ગુજરાત સહિત મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક જેવાં રાજ્યમાં એટીએમ ખાલી થઇ ગયાં છે.

ખાનગી કરતા PSU બેન્કના ATMમાં અછત વધુ
છેલ્લા બે-ચાર દિવસથી ગુજરાત સહિત દેશના કેટલાંક રાજ્યોના એટીએમમાં રોકડની અછત વરતાઇ રહી છે, જોકે ખાનગી બેન્ક કરતાં જાહેર ક્ષેત્રની બેન્કના એટીએમમાં કેશ ક્રાઇસિસ વધુ જોવા મળી છે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના હોદ્દેદારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઈ જાહેર ક્ષેત્રની બેન્કો કરતાં ખાનગી ક્ષેત્રની બેન્કોમાં રોકડ વધુ પ્રમાણમાં પૂરી પાડતી હોવાથી આ બેન્કોના એટીએમમાં પ્રમાણમાં ઓછી તકલીફ જોવા મળે છે, જ્યારે પીએસયુ બેન્કના એટીએમમાં કેશ ક્રાઈસિસ વધુ જોવા મળી રહી છે.

બેથી ચાર સપ્તાહમાં સમસ્યા ઉકેલાવાની આશા
દેશના કેટલાંક રાજ્યોની બેન્ક અને એટીએમમાં રોકડની તંગી ઊભી થતાં સરકાર એક્શનમાં આવીને બેથી ચાર સપ્તાહમાં આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી શક્યતા છે. સરકાર આ ગાળામાં દેશના વિવિધ પ્રિન્ટિંગ પ્રેસમાં નવી નોટો છાપીને રૂ. ૭૦,૦૦૦થી એક લાખ કરોડની માગને પહોંચી વળશે.

બેન્કિંગ સેક્ટરના જાણકારના જણાવ્યા પ્રમાણે લોકોના હાથમાં એટીએમમાં ઓછામાં ઓછી ૧૯.૪થી ૨૦ લાખ કરોડની રોકડ હોવી જરૂરી છે, જ્યારે બાકીના રૂ.૧.૨ લાખ કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે વપરાતા હોવાનો અંદાજ છે. પડતી ઘટના કારણે આરબીઆઈ જરૂરિયાતને પહોંચી વળવા વધારાની નોટો ઝડપથી છાપી બેન્કોને પૂરી પાડશે.

You might also like