બે લાખથી વધુની રોકડ ખરીદી પર ટેક્સ લગાવવાના નિર્ણયની સરકાર સમીક્ષા કરે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર બે લાખ રૂપિયાથી વધુની રોકડની ખરીદી પર એક ટકો ટીસીએસ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ લાદશે, જેની અમલવારી ૧ એપ્રિલથી થશે. સરકારના આ નિર્ણયની ફેર વિચારણા કરવાની માગ ઉદ્યોગ જગતના સંગઠન એસોચેમ દ્વારા કરાઇ છે. તેઓના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોમાં કોઇ પણ પ્રકારના ડરની ભાવના ઊભી થવી જોઇએ નહીં.

નોટબંધી બાદ અર્થવ્યવસ્થામાં નવી ચલણી નોટ લાવવામાં આવી રહી છે, જેના કારણે નાણાકીય પ્રવાહિતા વધી છે, જોકે હજુ આ કાર્ય પૂરું થયું નથી. આવા સંજોગોમાં ઊભી થયેલ પરિસ્થિતિના કારણે લોકોને વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઇએ. આ સ્થિતિમાં રૂ. બે લાખથી વધુની રોકડ ખરીદી પર એક ટકો ટીસીએસ લાદવાના સરકારના નિર્ણયની ફેર સમીક્ષા થવી જોઇએ.

હાલ રૂ. પાંચ લાખથી વધુની રોકડ જ્વેલરીની ખરીદી પર એક ટકાના દરે ટીસીએસ-ટેક્સ કલેક્ટેડ એટ સોર્સની જોગવાઇ છે. આ જોગવાઇ ૧ જુલાઇ, ૨૦૧૨થી લાગુ છે, જેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટમાં રૂ. બે લાખથી વધુની રોકડની ખરીદી ઉપર એક ટકો ટીસીએસ લાદવાની જોગવાઇ કરી છે, જેની અમલવારી ૧ એપ્રિલથી થશે. એસોચેમના રિપોર્ટ મુજબ રિયલ્ટી સેક્ટરમાં મોટી સંખ્યામાં રોજગારીની તકો છે. આ સેક્ટરમાં વધુ આર્થિક સુધારા કરવામાં આવશે તો આ સેક્ટર મંદીમાંથી પણ બહાર આવશે.

http://sambhaavnews.com/

You might also like