પેટ્રોલ-ડીઝલ પર સબસિડી અંગે સરકારે કોઈ સૂચના આપી નથીઃ ONGC

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉછાળાનો સિલસિલો સતત જારી છે. નજીકના ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તેવા કોઇ અણસાર નથી. સરકારી ઓઇલ કંપની ઓએનજીસીના ચેરમેને પણ જણાવ્યું છે કે ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલની કિંમત પર સબસિડી આપવા માટે સરકાર તરફથી કોઇ સૂચના મળી નથી.

આજે શુક્રવારે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી એક વાર વધારો કરાયો છે. પેટ્રોલ ૨૮ પૈસા અને ડીઝલ ૨૨ પૈસા પ્રતિલિટર વધુ મોંઘું બન્યું છે. આ ભાવવધારા સાથે પાટનગર નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ. ૮૧.૨૮ અને ડીઝલનો ભાવ પ્રતિલિટર રૂ. ૭૩.૩૦ પર પહોંચી ગયો છે.

આર્થિક રાજધાની મુંબઇની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ પ્રતિલિટર ૮૮.૬૭ અને ડીઝલ પ્રતિલિટર રૂ. ૮૭.૮૨ પર પહોંચી ગયો છે. હાલ દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ મહારાષ્ટ્રના પરભાનીમાં વેચાઇ રહ્યું છે, જ્યાં એક લિટર પેટ્રોલની કિંમત રૂ. ૯૦.૪૫ અને ડીઝલની કિંમત રૂ. ૭૮.૩૪ છે.

મોદી સરકાર પેટ્રોલના ભાવવધારા અંગે કોઇ ઉતાવળે પગલું ભરવાના મૂડમાં નથી. સઘન ચર્ચા-વિચારણા અને ગણતરી બાદ જ પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે નિર્ણય લેવાશે.

You might also like