શો‌પિંગ ફે‌સ્ટિવલ માટે સરકારે ચાર અધિકારી મ્યુનિ. તંત્રને ફાળવ્યા

અમદાવાદ: આગામી તા.૧૭ જાન્યુઆરીથી તા.ર૮ જાન્યુઆરી, ર૦૧૯ દરમ્યાન સાબરમતી રિવરફ્રન્ટના વલ્લભસદન ખાતે દેશના સૌથી મોટા શો‌પિંગ ફે‌સ્ટિવલનો આરંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. આ શોપિંગ ફે‌સ્ટિવલના આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા ઔડાના સીઇઓ સહિત ચાર આઇએએસ અધિકારી મ્યુનિસિપલ કોર્પોરેશનને મદદ માટે ફાળવાયા છે.

રાજ્ય સરકાર દ્વારા ઔડાના સીઇઓ અતુલ ગોર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર હેમંત કોશિયા, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ફરજ બજાવી ચૂકેલા બે ઉચ્ચ અધિકારી એમ.એસ. પટેલ અને કે.એલ. બચાણીની ફાળવણી કરાઇ છે.

આ ચાર ઉચ્ચ અધિકારીઓને તંત્રના મદદનીશ અધિકારી તરીકે ક્રમશઃ ગિરીશ પટેલ, ડો.ભાવિન સોલંકી, વી.કે. મહેતા અને દેબાશિષ બેનરજીની નિમણૂક કરાઇ છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓની સાથે સંકલનમાં રહીને મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સીજીરોડ જેવા પશ્ચિમ અમદાવાદના મહત્ત્વપૂર્ણ શોપિંગ ફે‌સ્ટિવલનું આયોજન, રેસ્ટોરાં-હોટલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, બ્રાન્ડેડ સ્ટોર્સ, રીટેલર્સ વગેરેનું રજિસ્ટ્રેશન ડિસ્કાઉન્ટ સહિતની કામગીરી કરવી પડશે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના ઓફિસ ઓર્ડર ૧૧૬ હેઠળ આ તમામ ઉચ્ચ અધિકારીઓએ તેમને સુપરત કરાયેલી કામગીરીને આગામી તા.ર૮ જાન્યુઆરીએ ફેસ્ટિવલ પૂર્ણ થાય ત્યાં સુધી સંભાળવાની રહેશે. આ ઉપરાંત અન્ય અધિકારીઓની ટીમ પણ શોપિંગ ફે‌સ્ટિવલના આયોજનને સફળ બનાવવા માટે મેદાનમાં ઉતારાઇ હોઇ એક પ્રકારે સમગ્ર તંત્ર આ કાર્યક્રમમાં વ્યસ્ત બન્યું છે.

દરમ્યાન મીડિયા સાથેની વાતચીતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે આર્ટ અને કાફટના સ્ટોલ બાંધવા સહિતના તમામ સ્ટોલને તંત્ર બાંધી આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફે‌સ્ટિવલનું ઉદ્ઘાટન કરવા માટે આવનાર હોઇ રાજ્ય સરકાર દ્વારા જે તે સ્ટોલના એલોટમેન્ટ ર‌જિસ્ટ્રેશન સહિતની તમામ જવાબદારી મ્યુનિસિપલ તંત્રને સોંપાઇ છે.

You might also like