મનરેગાની સિધ્ધિને સરકારે ગર્વનો વિષય ગણાવ્યો

નવી દિલ્હી : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ને આવતીકાલે ૧૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે અને અગાઉની યુપીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી આ યોજનાની શરૃઆતમાં ટિકા કરનારી એનડીએ સરકારે તેને આવકારતા જણાવ્યું હતું કે એક દાયકામાં તેની સિધ્ધિઓ રાષ્ટ્રીય ગર્વ અને ઉત્સવનો વિષય છે. જોકે સરકારે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે છેલ્લાં નાણાંકિય વર્ષ દરમ્યાન આ કાર્યક્રમ ફરી પાટે ચડ્યો છે.

તે સાથે જ સરકારે જાહેરાત કરી હતી કે આગામી વર્ષોમાં આ કાર્યક્રમ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓને વધુ સરળ અને મજબૂત બનાવવાના તથા તે દ્વારા ગરીબોને લાભ આપવાના હેતુથી તેને સતત વિક્સિત કરવામાં આવશે. મનરેગા સંમેલન ૨૦૧૬ દરમ્યાન મુખ્ય સંબોધનમાં આવતીકાલે નાણાંમંત્રી અરુણ જેટલી દ્વારા કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા છે. તેમાં જણાવાયું છે કે બીજા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં સૌથી અધિક વ્યક્તિ દિવસ અનુક્રમે ૪૫.૮૮ કરોડ અને ૪૬.૧૦ કરોડ ઉત્પન્ન થયા હતા, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે છેલ્લાં એક દાયકામાં મનરેગાની સિધ્ધિઓ રાષ્ટ્રીય ગર્વ અને ઉત્સવનો વિષય છે. તેમાં જણાવાયું હતું કે આ કાર્યક્રમ શરૃ થયા બાદ તેના પર રૃ.૩૧૩૮૪૪ કરોડનો ખર્ચ થયો હતો જેમાંથી ૭૧ ટકા રકમ મજૂરીની ચૂકવણી માટે હતો. તે અંતર્ગત ૨૦ ટકા કામો અનુસૂચિત જાતિ ના મજૂરો અને ૧૭ ટકા કામો અનુસૂચિત જનજાતિના મજૂરોને ફાળવવામાં આવ્યા હતા.

અગાઉની યુપીએ સરકારના ગાળા દરમ્યાન ફેબ્રુઆરી, ૨૦૦૬માં મનરેગા યોજનાની જાહેરાત કરવામાં  આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આંધ્રપ્રદેશના અનંતપુરના બદલાપલ્લી ગામે જશે જ્યાંથી આ યોજનાને શરૃ કરવામાં આવી હતી. તત્કાલીન યુપીએ સરકારે તેને ગરીબી દૂર કરવાની દિશામાં એક ઐતિહાસિક પહેલ ગણાવી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સત્તા પર આવ્યા બાદ શરૃઆતમાં આ યોજના પ્રત્યે તેનું વલણ ટિકાત્મક રહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે તેને ‘કોંગ્રેસની નિષ્ફળતાઓના જીવતા જાગતા સ્મારક’ તરીકે ગણાવી હતી. તેમણે કહ્યું હતું,’શું તમે એવું વિચારો છો કે હું આ યોજનાને બંધ કરીશ. મારી રાજકીય સમજ મને એવું કરવાની પરવાનગી આપતી નથી. આ છેલ્લાં ૬૦ વર્ષમાં ગરીબીનો સામનો કરવાની દિશામાં  નિષ્ફળતાઓનું જીવતું જાગતું સ્મારક છે અને હું તેને ચાલુ જ રાખીશ.’

You might also like