ગોવાને ફરીથી મેળવવા માટે પર્રિકરનો ત્યાગ કરશે PM મોદી?

ગોવામાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યું નથી. હાલ તોડ જોડની સ્થિતિ જોવા મળી રહી છે. 40 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને સૌથી વધુ 17 જ્યારે ભાજપને 13 બેઠકો મળી છે. બંને પાર્ટીઓ સરકાર બનાવવાની હોડમાં છે. ભાજપને મહારાષ્ટ્ર ગૌમંતક પાર્ટી(3), ગોવા ફોરવર્ડ પાર્ટી(3) અને અપક્ષો(3)ના સમર્થનની અપેક્ષા છે. મળતી માહિતી મુજબ ગોવા કોંગ્રેસના પ્રભારી અને પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહે પ્રદેશમાં સરકાર બનવા માટે દાવો ઠોક્યો છે જ્યારે આ બાજુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સરકાર બનાવવાની કવાયતમાં છે. ભાજપની સરકાર બનાવવા માટેની શક્યતાઓ ચકાસવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રાજધાની પણજીમાં પહોંચ્યાં છે.

પાર્ટીએ ગડકરીને ગોવાના પર્યવેક્ષક બનાવ્યાં છે. તેમણે ભાજપના વિધાયકો સાથે બેઠક પણ કરી. માધ્યમોના અહેવાલો મુજબ ભાજપ મહારાષ્ટ્ર ગૌમંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટીના સમર્થન સાથે રક્ષા મંત્રી મનોહર પાર્રિકરને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરી શકે છે. આ અંગેની અધિકૃત જાહેરાત આજે સાંજ સુધીમાં થઈ શકે છે. જે પક્ષો ભાજપને સમર્થન આપવાની વાત કરી રહ્યાં છે તેઓ મુખ્યમંત્રી તરીકે મનોહર પાર્રિકરને જોવા ઈચ્છે છે.

આ બાજુ એક ચેનલના અહેવાલ મુજબ દિગ્વિજય સિંહે જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી 17 બેઠકો જીતી ચૂકી છે અને આ ઉપરાંત ત્રણ સીટો તેમના સમર્થકોએ જીતી છે તથા એક અપક્ષનું સમર્થન તેમને મળ્યું છે. આવા સંજોગોમાં સૌથી મોટી પાર્ટી હોવાના નાતે કોંગ્રેસને સરકાર બનાવવાની આશા છે. તેઓ આવતી કાલે સરકાર બનાવવા માટે દાવો રજુ કરશે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવાના નાતે સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. જ્યારે ભાજપ વધુ વોટશેર મળવાના કારણે દાવો કરી રહી છે. ભાજપ અન્ય પક્ષો અને અપક્ષોના સહારે સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે.

બેઠકોને ધ્યાનમાં લઈએ તો કોંગ્રેસ ભલે સૌથી મોટી પાર્ટી હોય પરંતુ વોટ શેરના મામલે તે ભાજપ કરતા પાછળ છે. ભાજપને ગોવામાં સૌથી વધુ 32.5 ટકા મત મળ્યાં છે. જ્યારે કોંગ્રેસને 28.4 ટકા મતો મળ્યા છે. મહારાષ્ટ્ર ગૌમંતક પાર્ટી ભાજપની સહયોગી રહી ચૂકી છે. આથી ભાજપ તેને પોતાની સાથે માનીને ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસને ગોવા ફોરવોર્ડ પાર્ટીથી આશા છે.

http://sambhaavnews.com/

You might also like