નકલી દારૂની ફેક્ટરી માટેનો સામાન હરિયાણાથી લવાયો હતો

અમદાવાદ: ભાડજ ગામમાં રબારી વાસના એક મકાનમાં સોલા પોલીસે દરોડો પાડીને નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી છ શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે દારૂની બોટલો અને બોક્સ સહિતનો સામાન તેઓ હરિયાણાથી લાવ્યા હતા.

હરિયાણાના પલવલ ગામના અજિત ઠાકુરે આરોપીને પૈસા કમાવવા ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂમાં સારા પૈસા કમાવવા મળશે તેવી ટિપ આપી હતી. જેથી યાકત નામના મુખ્ય આરોપીએ તેના મિત્ર અને સગાં સંબંધી સાથે મળી આ નકલી ફેક્ટરી બનાવવાનો પાલન કર્યો હતો.

આરોપી યાકત અને અજિત ઠાકુર નકલી દારૂ બનાવવા જગ્યા જોવા માટે અમદાવાદ આવ્યા હતા. ભાડજ ગામમાં વિજય રબારીની એક ઓરડીમાં આ નકલી દારૂની ફેકટરીમાં ભાગ આપવાની શરતે ઓરડી ભાડે લીધી હતી. દારૂ બનાવવા માટે કેમિકલ, દારૂની બોટલો અને બોક્સ સહિતનો સામાન હરિયાણાથી અજિત ઠાકુરે સપ્લાય કર્યો હતો.

મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો બનાવ્યા બાદ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં તેઓ નીચા ભાવે આ દારૂ વેચવાના હતા. છેલ્લા ૧૫ દિવસથી તેઓએ દારૂ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. ૪૦૮ દારૂની બોટલ ડિલિવરી કરવા માટે બોક્સમાં ભરીને તૈયાર રાખી હતી.

જ્યારે ૭૫૦ લિટર કેમિકલમાંથી બીજી ૧૦૦૦ બોટલ ભરવાનો હતો. પરંતુ આ દારૂનો જથ્થો સપ્લાય થાય તે પહેલાં પોલીસે ફેકટરી પકડી પાડી હતી. હાલમાં સોલા પોલીસે આઓપી અજિત ઠાકુર અને વિજય રબારીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like