વાહનોની જૂની સિરીઝના ગોલ્ડન-સિલ્વર કેટેગરીના નંબર રૂ.૧૦ હજાર લઈ ફાળવાશે

અમદાવાદ: આરટીઓ અમદાવાદમાં હવે કાર અને બાઈકની જૂની સિરીઝના ગોલ્ડન અને સિલ્વર કેટેગરીના ઘણાં બધા નંબરો જે ફાળવણી કરવાના બાકી છે તેની ઓનલાઈન હરાજી શરૂ કરવાના બદલે સીધે સીધા ફાળવી દેવાનો નિર્ણય આરટીઓ દ્વારા લેવાયો છે.

પસંદગીના નંબરોની ઓનલાઈન હરાજી થતાં જ જૂની સિરીઝના પેન્ડિંગ નંબરોની ઓનલાઈન હરાજી શક્ય ન હોવાથી આરટીઓ હવે જૂની સિરીઝના સિલ્વર અને ગોલ્ડન નંબર તંત્રએ નક્કી કરેલી ઓછામાં ઓછી કિંમતે સીધે સીધા વાહન માલિકોને ફાળવી દેશે. આવા નંબરોની સંખ્યા મોટી છે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કોઈપણ નવા વાહનના રજિસ્ટ્રેશન બાદ પોતાની પસંદગીનો નંબર મેળવવા માટે વાહનમાલિકોને બે વિકલ્પ આપવામાં આવે છે. જેમાં ગોલ્ડન અને સિલ્વર એમ બે કેટેગરી નક્કી કરવામાં આવી છે. ફોર વ્હીલર કારના ગોલ્ડન નંબર માટે રૂ.૨૫ હજાર અને સિલ્વર નંબર માટે ઓછામાં ઓછા રૂ.૧૦ હજાર ઓનલાઈન હરાજી માટે ભરવા ફરજિયાત છે.

ત્યાર બાદ પસંદગીના નંબર માટે જે પણ વાહનમાલિક વધુમાં વધુ રકમ ચૂકવે તેને તે નંબરની ફાળવણી કરી દેવામાં આવે છે પરંતુ જે નંબરો પડી રહ્યા છે અને કોઈએ તેની માંગ કરી નથી. તેવા તમામ નંબરો હવે એક જ ભાવે રૂ.૧૦ હજારમાં ફાળવણી કરી દેવાશે.

કેટલાક નંબર એવા હોય છે કે જેને લેવા માટે વાહનમાલિકો રસ ધરાવતા નથી. કાર તેમજ સ્કૂટરની છેલ્લી બેથી ત્રણ સિરીઝમાં ૯૯૦૯, ૯૯૯૦, ૯૦૯૯, ૯૦૦૦ જેવા નંબરો ઉપરાંત ૫૨૦૦, ૬૬૬૯, ૬૬૬૦ લેવા માટે વાહનમાલિકો રસ ધરાવતા નથી. આવા નંબરો ખાલી પડી રહે છે.

આવા નંબરોના ૧૦ અથવા ૨૫ હજાર રૂપિયા આપવાની કોઈની તૈયારી નહીં હોવાના કારણે ગોલ્ડન સિલ્વર કેટેગરીમાં પસંદ કરાયેલા આવા નંબરોની ફેરવિચારણા કરી હવે આવા પડી રહેલા નંબરો હવે વાહન માલિકોને ઓછી કિંમત આપવાનો નિર્ણય કરાયો છે.

You might also like