અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધ લગાવતાં વૈશ્વિક શેરબજાર તૂટ્યાં

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે પરમાણુ ડીલ રદ કરવાનું એલાન કર્યું છે એટલું જ નહીં ઇરાન પર આર્થિક પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં ન્યુક્લિયર હથિયારને લઇને કોઇ પણ દેશે ઇરાનને મદદ કરી તો તેની સામે પણ અમેરિકા સખત આર્થિક પ્રતિબંધ લાદવાની ચીમકી ઉચ્ચારી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ઇરાન પરના આર્થિક પ્રતિબંધ તાત્કાલિક પ્રભાવથી લાગુ થઇ ગયા છે. તમામ કંપનીઓને ઇરાન સાથે વેપાર સંબંધો રદ કરવા પડશે, જે માટે તેને ૩થી ૬ મહિનાનો સમય મળશે. દરમિયાન જિયોપોલિટિકલ ટેન્શનને પગલે અમેરિકી સહિત એશિયાઇ શેરબજારો પ્રેશરમાં જોવા મળ્યાં હતાં.

યુએસ એસએન્ડપી-૫૦૦ શેરબજાર ઇન્ડેક્સ ૦.૭૧ પોઇન્ટને ઘટાડે ૨,૬૭૧.૯૨ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો છે. એ જ પ્રમાણે ડાઉ ઇન્ડેક્સ ૨.૮૯ પોઇન્ટને સુધારે ૨૪,૩૬૦.૨૧, જ્યારે નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ ૧.૬૮ પોઇન્ટને સુધારે ૭૨૬૬.૯૦ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો છે.

દરમિયાન જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૯૫ પોઇન્ટ તૂટ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ અને ચીનનો શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં જોવા મળ્યો છે. સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સ પણ આઠ પોઇન્ટ તૂટ્યો હતો.

You might also like