ભાઈ સાથે રિક્ષામાં બેઠેલી યુવતીની કોલગર્લ સમજીને છેડતી કરી

અમદાવાદ: શહેરના રાયપુર વિસ્તારમાં ગઇ કાલે એક યુવતીને કોલગર્લ સમજીને તેની સાથે બીભત્સ વર્તન કરનાર શખ્સોએ યુવતી, તેના ભાઇ અને પતિ પર હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. રાયપુરમાં ચાની કીટલી પાસે યુવતી તેના ભાઇની રિક્ષામાં બેઠી હતી ત્યારે કેટલાક શખ્સો તેની પાસે આવ્યા હતા અને કોલગર્લ સમજીને તેને હોટલમાં આવીશ…તારો  નંબર આપીશ તેમ કહીને હેરાન-પરેશાન કરવા લાગ્યા હતા.

ગોમતીપુર વિસ્તારમાં રહેતી હીના તેના પતિ જુબેર અને ભાઇ સલીમ સાથે ગઇ કાલે શાહઆલમની એક હોટલમાં જમવા માટે ગઇ હતી. હોટલમાં જમી લીધા પછી ત્રણેય જણાં રિવરફ્રન્ટ પર ફરવા માટે ગયાં હતાં. ‌િરવરફ્રન્ટથી ત્રણેય જણાં તેમના ઘર તરફ જતાં હતાં ત્યારે સલીમે રાયપુર વિસ્તારમાં આવેલી ચાની કીટલી પર ‌િરક્ષા ઊભી રાખી હતી. જુબેર અને સલીમ પાન-મસાલો લેવા માટે ગલ્લા પર ગયા ત્યારે હીના રિક્ષામાં એકલી બેઠી હતી.

હીનાને જોઇને કેટલાક યુવક રિક્ષા નજીક આવ્યા હતા અને તેની સાથે બીભત્સ વર્તન કરવા લાગ્યા હતા. યુવકોએ હીનાને હોટલમાં આવીશ તેમ કહ્યું હતું અને તેનો મોબાઇલ નંબર માગ્યો હતો. હીનાએ તાત્કા‌િલક બૂમાબૂમ કરતાં જુબેર અને સલીમ દોડી આવ્યા હતા અને યુવકો સાથે બોલાચાલી કરી હતી. મામલો એ હદે બીચક્યો કે યુવકોએ જુબેર અને સલીમ પર હુમલો કરી દીધો હતો. આ ઘટના જોઇને સ્થાનિકો વચ્ચે પડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

ત્રણેય જણાં રાયપુરથી નીકળી કાંક‌િરયા પારસી અ‌િગયાસી પાસે પહોંચ્યાં ત્યારે બબાલ કરનાર એક યુવકે જાણી-જોઇને રિક્ષા સાથે અકસ્માત કર્યો હતો. જુબેર અને સલીમ રિક્ષામાંથી નીચે ઊતર્યા ત્યારે એકાએક ૧પ કરતાં વધુ લોકોનું ટોળું તેમના પર તૂટી પડ્યું હતું. હીના પતિ અને ભાઇને છોડાવવા માટે વચ્ચે પડી ત્યારે તેના ઉપર પણ હુમલો કર્યો હતો. હીનાના વાળ પકડીને તેને પણ ઢોર માર માર્યો હતો.

હીના, જુબેર અને સલીમ પર હુમલો કર્યા બાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત જુબેરને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હીનાની ફરિયાદના આધારે કાગડાપીઠ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
(પાત્રોનાં નામ બદલેલ છે)

You might also like