યુવતીને ૩ વર્ષે ખબર પડી કે પતિ પરિણીત, એક સંતાનનો પિતા છે

અમદાવાદ: ત્રણ વર્ષ અગાઉ જેની સાથે પ્રેમ લગ્ન કરી આખી જિંદગી સાથે જીવવા અંગેના વચન આપનાર યુવકે કાલુપુર વિસ્તારમાં રહેતી યુવતી સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પત્ની અને બાળક હોવા છતાં યુવકે યુવતી સાથે લગ્ન કરી પતિ-પત્ની તરીકેના સુખ ભોગવ્યા બાદ ફરાર થઇ જતાં યુવતીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

કાલુપુરમાં રહેતી સંજના દસ વર્ષ અગાઉ પોળમાં ડ્રેસ પેકિંગનું કામકાજ કરતી હતી. દુકાનમાં મેનેજર તરીકે કામ કરતા દિનેશ સાથે તેની આંખ મળી જતાં ૨૦૧૫માં સંજનાનાં માતા-પિતા અને દિનેશના મિત્રોની હાજરીમાં બંનેએ લગ્ન કર્યાં હતાં. લગન અગાઉ દિનેશે તેના પરિવારમાં કોઈ ન હોવાનું જણાવ્યું હતું. લગ્ન બાદ બંને પતિ- પત્ની તરીકે સાથે રહેતાં હતાં. લગ્નનાં અઢી વર્ષ બાદ દિનેશ અચાનક ઘરેથી જતો રહ્યો હતો.

ચાર દિવસ બાદ ઘરે પરત ફરતાં સંજનાને તેને જણાવ્યું હતું કે હું મારાં સગાં સંબંધીના ત્યાં ગયો હતો અને તેઓ મારી પાસે પૈસા માગતા હોઈ તેમની સાથે સંબંધ તોડી આવી ગયો છું. થોડા દિવસ બાદ એક બહેન સંજનાના ઘરે આવ્યાં હતાં અને દિનેશને જણાવ્યું હતું કે તારા પિતાજી ખૂબ બીમાર છે તું સાથે ચાલ.

દિનેશે સંજનાને આ તેની માતા હોવાનું કહ્યું હતું.અને તેની માતા સાથે જવાની પાડી દીધી હતી. બપોરે દિનેશ ફોન આવતાં ઘરેથી નીકળી રાણીપ ખાતે ગયો હતો. સંજના તેની પાછળ જતાં દિનેશના અસલી ઘરે પહોંચી હતી. ઘરે જતાં તેની માતાએ જણાવ્યું હતું કે દિનેશનું સાચું નામ અજય છે અને તેનાં અગાઉ લગન થઇ ગયાં છે અને બાળક પણ છે.

આ સાંભળી સંજનાના પગ તળેથી ધરતી ખસી ગઈ હતી. ઘરે જઈ તેણે તેનાં માતા પિતાને આ અંગે વાતચીત કરી હતી. બાદમાં દિનેશનો સંપર્ક કરતાં તે મળી આવ્યો ન હતો. સંજનાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(પાત્રોનાં નામ બદલ્યાં છે.)

You might also like