જીવરાજપાર્કની હોસ્પિટલમાં યુવતીએ દવાની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો

અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી યુવતીએ જે હોસ્પિટલમાં રિસેપ્શ‌િનસ્ટ તરીકે નોકરી કરતી હતી તે હોસ્પિટલમાં જ દવાની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ યુવતી પ‌િરણીત છે અને તેના માતાપિતા સાથે રહેતી હતી. સાસરીમાં મનદુઃખનું કારણ હોઈ શકે છે. જોકે આ અંગે વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. વેજલપુરના વેજનાથ મહાદેવ મંદિર પાસે આવેલા કનકધામ એપાર્ટમેન્ટમાં નિધિબેન કાપડિયા (ઉ.વ. 23) રહેતા હતા. નિધિબેનના લગ્ન થઇ ચુક્યા છે.

નિધિબેન જીવરાજપાર્ક વિસ્તારમાં સહજાનંદ ટાવરમાં આવેલી વાત્સલ્ય ગાયનેક હોસ્પિટલમાં રિસેપશનિસ્ટ તરીકે નોકરી કરતા હતા. શનિવારે સવારે તેઓ નોકરી પર ગયા હતા. દરમ્યાનમાં જ તેઓએ કોઈ કારણસર દવાની ગોળીઓ ખાઈ લીધી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસ દોડી આવી હતી.

You might also like