ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડતાં ભારે અફરાતફરી: ભયનો માહોલ

અમદાવાદ: અંકલેશ્વરમાં હાંસોટ રોડ પર ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડતા અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે સમયસરની કામગીરી બાદ પાઇપલાઇનને રિપેર કરવામાં આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાંસોટ રોડ પર જેસીબી દ્વારા ખોદકામ ચાલુ હતું ત્યારે જ્યોતિ ટોકીઝ પાસે ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસનો ફુવારો ઉડ્યો હતો. ગેસનો ફુવારો જોતા જ લોકોમાં ભયની લાગણી છવાઇ હતી આજુબાજુના દુકાનદારોએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી ચાલતી પકડી હતી. ઉંચે સુધી ઊડેલો ગેસનો ફુવારો જોઇ લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા અને દોડધામ મચી ગઇ હતી. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની કે કોઇને ઇજા પહોંચી ન હતી.

બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસના જવાનોએ તાત્કાલીક હાંસોટ રોડ પર પહોંચી જઇ જે સ્થળે ગેસની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું તે સ્થળ કોર્ડન કરી લઇ લોકોની તેમજ વાહનોની અવરજવર અટકાવી દીધી હતી અને ગુજરાત ગેસની પાઇપલાઇનનાં ટેક્નિકલ સ્ટાફને તાત્કાલીક બોલાવી રિપેરિંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રપ મિનિટના સમયગાળા બાદ ગેસની પાઇપલાઇનનું સમારકામ થઇ જતા પરિસ્થિતિ રાબેતા મુજબ થઇ હતી. આ ઘટનાના પગલે હાંસોટ રોડ પર લોકોનાં ટોળેટોળાં એકત્ર થયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઇ ગઇ હતી.

You might also like