મેઘાણીનગરમાં રેડ કરવા ગયેલી પોલીસ પર જુગારીઅોનો હુમલો

અમદાવાદ: શહેર પોલીસ પર હુમલાના બનાવો એકાએક વધી ગયા છે. રાત-દિવસ લોકોની સુરક્ષા કરતી પોલીસને પણ હવે સુરક્ષાની જરૂરિયાત ઊભી થઇ છે. પોલીસનો ખોફ હવે સમાન્ય નાગ‌િરક કે ગુનેગારો પર રહ્યો જ નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી પોલીસ કર્મચારીઓ પર હુમલા થવાની અનેક ઘટનાઓ ઘટી રહી છે. વિધાનસભાના ઇલેકશનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં ધમધમતા દારૂ-જુગારના અડ્ડા પોલીસ બંધ કરાવી રહી છે.

ગઇ કાલે મોડી રાતે મેઘાણીનગર વિસ્તારમાં જુગારનો અડ્ડો બંધ કરાવવા માટે ગયેલી પોલીસ પર જુગારીઓએ હુમલો કરીને તેમના બાઇકની તોડફોડ કરતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે. આ ઘટનામાં એક પોલીસ કર્મચારીને માથામાં બેટ વાગતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ચુંવાળનગર વિભાગ-૨ની દીવાલની બહારના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મેઘાણીનગર પોલીસને મળી હતી. બાતમીના આધારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપકભાઇ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ, પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઇ અને લોકરક્ષક દળનો જવાન કિરણસિંહ પરમાર જુગારને બંધ કરાવવા માટે ચુંવાળનગરમાં ગયા હતા.

પોલીસ ચુંવાળનગરમાં પહોંચી તો ત્યારે ખુલ્લી જગ્યામાં ચાર-પાંચ લોકો જુગાર રમી રહ્યા હતા. જુગારીઓએ પોલીસને જોતાં અફરાતફરી મચી ગઇ હતી. બે જુગારીઓ ચુંવાળનગરની એક ચાલીમાં નાસી ગયા હતા, જેમને પકડવા માટે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઇ ચાલીમાં ગયા હતા ત્યારે પોલીસ કર્મચારી દિલીપભાઇ અને કિરણસિંહે જુગાર રમતા રંગે હાથ પકડાયેલા આર્મીમેન સાગર કનુભાઇ ભરવાડ તથા પીન્ટુ ચમનભાઇ નાડિયા, હિતેશ નારણભાઇ નાડિયા, અને મયૂર રાજભાઇ ના‌િડયા (તમામ રહે. શ્રી શ‌િક્તનગર લાઇન નંબર-૪, મેઘાણીનગર)ને પકડવાની કોશિશ કરી હતી.

જુગારની રેડ દરમિયાન પોલીસ કર્મચારી દિલીપભાઇ અને આર્મીમાં નોકરી કરતા સાગર ભરવાડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, જેમાં સાગરે દિલીપભાઇને ગાળો આપતાં જણાવ્યું કે હું આર્મીમાં નોકરી કરું છું. તારી અહીંયાં આવવાની ‌િહંમત કેમ થઇ. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સાગરે દિલીપભાઇ પર અચાનક હુમલો કરીને જમીન પર પટકી દીધા હતા અને ગળદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. દિલીપભાઇને છોડાવવા માટે કિરણસિંહ વચ્ચે પડ્યો હતો તે સમયે પીન્ટુ નાડિયાએ લાકડાનું બેટ કિરણસિંહના માથામાં મારી દીધું હતું.

દરમિયાનમાં જુગારીઓને પકડવા માટે ગયેલા બે પોલીસ કર્મચારીઓ આવી જતાં જુગારીઓએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. તકનો લાભ લઇને ચારેય જણા ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા તે સમયે પીન્ટુએ પોલીસ કર્મચારીનું બાઇક તોડી નાખ્યું હતું.
આ ઘટનાની જાણ મેઘાણીનગર પોલીસ સ્ટેશન તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓ તાત્કા‌િલક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ૬ જુગારીઓને શોધી નાખવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતા ત્યારે ઇજાગ્રસ્ત કિરણસિંહને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મેઘાણીનગર પોલીસે આર્મીમેન સાગર ભરવાડ સહિત ચાર શખ્સો વિરુદ્ધમાં પોલીસ પર હુમલો કરવા મામલે ગુનો દાખલ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મચારીઓ પર હુમલો થવાની આ એક ઘટના નહીં, પરંતુ અનેક ઘટનાઓ ઘટી રહી છે. આઠ નવેમ્બરના રોજ સરદારનગર વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમ પર માલધારીઓએ પથ્થરમારો કર્યો હતો, જેમાં એક પીઆઇને પથ્થર વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ સિવાય ખોખરા-ભાઇપુરામાં આરોપીને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાંચની ટીમના બે પોલીસ કર્મચારી પર હુમલો થયો હતો.

સરદારનગરના ભીલવાસમાં બુટલેગરને પકડવા ગયેલ બે પોલીસકર્મી પર હુમલો થયો હતો. નરોડામાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલનું અપહરણ કરી આઠ શખ્સોએ માર માર્યો હતો જ્યારે ગીતામંદિર પાસે નજીવી બાબતે કોન્સ્ટેબલને ચાર લોકોએ માર માર્યો હતો. ઇસનપુરમાં ફરિયાદની તપાસ માટે ગયેલા ચાર પોલીસકર્મીઓ પર હુમલો હતો.

You might also like