અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં પાથરણાંવાળાથી લકઝુરિયસ મોલ ધરાવતા વેપારીઓ હોઈ શહેરમાં રાતના બાર વાગ્યા સુધી શહેરનાં બજારો ધમધમશે. જોકે ફેસ્ટિવલ દરમિયાન ચોવીસ કલાક બજાર ચાલુ રહે તેવી પણ શક્યતા છે. જે શોપિંગ ફેસ્ટિવલની અમદાવાદીઓ લાંબા સમયથી આતુરતાભેર રાહ જોતા હતા તેનું આજે સાંજે પાંચ વાગ્યે રિવરફ્રન્ટ હાઉસ પાસેના વલ્લભસદન ખાતે ઊભા કરાયેલા ડોમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કોઇ વસ્તુની ખરીદી કરી ઉદ્ઘાટન કરાશે.

રિવરફ્રન્ટના વલ્લભસદન ખાતેના શોપિંગ ફેસ્ટિવલના મુખ્ય ડોમ સહિત કુલ ૬૦૦ સ્ટોલ શહેરભરમાં ઊભા કરાયા છે. દુબઈનો શોપિંગ ફેસ્ટિવલ ફક્ત અતિશ્રીમંત લોકો માટે જ છે, પરંતુ અમદાવાદમાં ‘સમથિંગ ફોર એવરીવન’ના સૂત્ર સાથે ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. જેમાં ખરીદી કરનાર ગ્રાહકોને ૬૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે. તેમજ રોજેરોજ ઈનામોની લહાણી કરાશે. બમ્પર ઈનામોમાં કાર, જ્વેલરી, ગાર્મેન્ટ જેવાં ઈનામોનો સમાવેશ થતો હોઈ અંદાજે રૂ. દશ કરોડ સુધીનાં ઈનામ અપાશે. શોપિંગ ફેસ્ટિવલનો બમ્પર ડ્રો સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાશે.

શોપિંગ ફેસ્ટિવલ હેઠળ શહેરના ૨૭ સ્થળોએ ડાયરો, ફિલ્મ, નોલેજ સેમિનાર, કોમેડી શો, ફેશન શો, ડ્રામા, યોગ કાર્યક્રમ, લાઈવ મ્યુઝિકલ કોન્સર્ટ, કોમેડી શો સહિત આશરે ૧૦૦૦ ઈવેન્ટ યોજાશે. જેના દ્વારા ગુજરાતની લોક સંસ્કૃતિ, ગુજરાતી સિનેમા, ગુજરાતનાં ભાતીગળ પરિધાનને ઉત્તેજન અપાશે. તેમજ અમદાવાદીઓનાં સ્વાસ્થ્યને સુધારવા માટે વેલનેસ પ્રોગ્રામનો સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત અંડરપાસ, સીજી રોડ, પશ્ચિમ રોડ, એરપોર્ટ, ઝાંસી કી રાણી જેવાં સર્કલ, રિવરફ્રન્ટના સરદારબ્રિજથી ગાંધીબ્રિજ, ગાંધી આશ્રમ, દાંડી પુલ, શહીદ સ્મારક, લાલ દરવાજા જેવી હેરિટેજ જગ્યાઓને મ્યુનિસિપલ સત્તાવાળાઓએ આકર્ષક રોશનીથી શણગારી હોઈ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન સમગ્ર શહેરમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળશે.

You might also like