મિત્રએ ઉધાર લીધેલા 25 હજાર આપવાના બદલે મોત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી બાબતોમાં છરી, તલાવર વડે હુમલાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા દસ દિવસમાં પૂર્વ વિસ્તારમાં ચાર હત્યાની ઘટના ઘટી છે. હાટકેશ્વર વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે એક યુવકની તેના મિત્રએ ઘાતકી હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. રૂપિયાની લેતીદેતી મામલે યુવકને છરીના ધા ઝીંકીને મિત્રએ મોતને ઘાટ ઉતાર્યો હતો. મરનાર યુવક મિત્ર પાસેથી ૨૫ હજાર રૂપિયા માગતો હતો, જે નહીં આપી શકતા આ ઘટના ઘટી હતી.

હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ભગવતીનગર સોસાયટીમાં રહેતા મનોજભાઇ રાજુભાઇ ધવાણે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં હર્ષદસિંહ દિનેશસિંહ ચાવડા (રહે. પાર્થ એપાર્ટમેન્ટ, હાટકેશ્વર) વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મનોજનો નાનોભાઇ કેવલ ઉર્ફે જાડિયો હર્ષદસિંહ પાસેથી છેલ્લા ઘણા સમયથી રૂપિયા માગતો હતો.

હર્ષદસિંહને કોઇ જરૂરી કામ હોવાથી કેવલે તેને ૨૫ હજાર રૂપિયા આપ્યા હતા. કેવલને રૂપિયાની જરૂર હોવાથી તેને હર્ષદસિંહ પાસે રૂપિયાની માગણી કરી હતી. હર્ષદસિંહે રૂપિયા આપવા માટે વાયદા આપતો હતો. અવારનવાર કેવલ હર્ષદસિંહ પાસેથી રૂપિયા માગતો હતો. હર્ષદે રૂપિયા નહી આપતાં કેવલે તેના માતા પિતા અને ભાઇને પણ આ મામલે વાત કરી હતી. ગઇ કાલે હર્ષદે કેવલને ઘરે બોલાવ્યો હતો. જ્યાં તેને રામનગર જાહેર રોડ પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને થતા તે તાત્કાલીક દોડી આવી હતી અને કેવલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને હર્ષદ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.

કેવલના પિતા રાજુભાઇએ જણવ્યુ છે કે હર્ષદ દારૂનો ધંધો કરે છે અને કેવલ તેના માટે દારૂની ખેપ મારતો હતો. હર્ષદની દારૂની પેટી પોલીસે જપ્ત કરી હોવાથી કેવેલે તેને રૂપિયા આપ્યા હતા. ગઇ કાલે મોડી રાત્રે હર્ષદે કેવલને ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો અને ત્યારબાદ તેના પર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી હતી. હર્ષદ સિવાય અન્ય ચાર યુવકો પણ કેવલની હત્યામાં સંડોવાયેલા છે.

ઉલ્લેખનીય છેકે ગોમતીપુર વિસ્તારમાં શુક્રવારે એક યુવકની જૂની અદાવતમાં ઘાતકી હત્યા થઈ હતી . ગોમતીપુર વિસ્તારમાં રહેતા પરેશ ઉર્ફે ભૂરિયાએ ગત ઓગસ્ટ મહિનામાં ફરીમ નામના યુવક પર છરી વડે હુમલો કર્યો હતો જેમાં પોલીસે પરેશ વૃદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરીને તપાસ શરૂ કરી હતી પોલીસે પરેશની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. ઇજાગ્રસ્ત ફરીમે પરેશ સાથે બદલો લેવા માટે તેની હત્યા કરવા માટે પ્લાન ઘડી નાખ્યો હતો. શુક્રવારે ફરીમે પુરા આયોજન સાથે પરેશ પર છરી વડે હુમલો કર્યો હતો. જ્યાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ગોમતીપુર પોલીસે ફરીમ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ ૧૫ માર્ચના રોજ ઓઢવ વિસ્તારમા આવેલ મોટી ભગતની ચાલીમાં રહેતા શેતાનભાઈ વણજારાએ નિકોલ પોલીસમાં હત્યાની ફરિયાદ કરી હતી. શેતાનભાઇના પાડોશમાં વર્ષોથી એકલવાયું જીવન જીવતા તેજાજી દારૂ પીવાની આદત હતી. દારૂ પીધા બાદ તે ગમે ત્યાં સૂઈ જતો અને ક્યારેક તો તે ઘરે પણ આવતો ન હતાે. ૧૫ માર્ચના રોજ શેતાનભાઈના મામા દીકરાનો સવારે આઠ વાગ્યે તેમના પર ફોન આવ્યો હતો, અને જણાવ્યુ હતું કે તેજાજીને કોઈએ મારેલ છે અને તે બેભાન હાલતમાં ભુવાલડી મેજ પ્રોડક્ટની પાછળ ખાડામાં પડ્યા છે,

તેજાજીના સમાચાર મળતા શેતાનભાઈ ઘટના સ્થળે પર દોડી ગયા હતા. જ્યાં તે લોહીથી લથપથ હાલતમાં ખાડામાં પડ્યા હતા. તેજાજીને કોઈ અજાણ્યા ઈસમે માથામાં બોથડ પ્રદાર્થ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને નાસી ગયા હતા જ્યા તેમનું મોત થયુ હતું.

ત્યારે શનિવારે કઠવાડા પાસેની એક અવાવરું જગ્યાએથી ખાનગી ચેનલમાં કોપી એડિટર તરીકે કામ કરતા ચિરાગ પટેલનો અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ચકચારી ઘટનામાં તેની હત્યા થઇ છે તેને આત્મહત્યા કરી છે તે મામલે પોલીસ હજુ સ્પષ્ટ નથી પરંતુ પોલીસના આંતરિક સૂત્રોનું માનીએ તો ચિરાગની હત્યા કરવામાં આવી છે આ ચકચારી કિસ્સાની તપાસ પોલીસ કમિશનર એ.કે.સિંધે નિકોલ પોલીસ પાસેથી આંચકી લઇને ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચિરાગના અપમૃત્યુ કેસમાં તમામ દિશામાં તપાસ શરૂ કરી છે.

You might also like