અખાત્રીજ પૂર્વે ભાવ ઘટતાં સોનામાં સુગંધ ભળી

અમદાવાદ: અખાત્રીજને બે સપ્તાહની વાર છે, પરંતુ તે પૂર્વે જ્વેલર્સ દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર તથા સ્કીમ્સ મુકાવાની ચાલુ થઇ ગઇ છે, જોકે ટ્રેડ વોરની અસર ઘટતાં વૈશ્વિક સોનાના ભાવમાં ગાબડાં પડ્યાં છે. વૈશ્વિક સોનાના ભાવ ૦.૪ ટકા ઘટીને ૧,૩૩૫ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળ્યા છે.

રૂપિયામાં પણ જોવા મળી રહેલી મજબૂતાઇની ચાલના પગલે સોનાના ભાવમાં આજે શરૂઆતે  ૧૦ ગ્રામે ૩૦૦થી ૩૫૦ રૂપિયાનું ગાબડું પડ્યું છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ ૩૧,૬૫૦ની સપાટીએ ખૂલ્યા હતા.  ચાંદીમાં પણ નરમાઇની ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે ચાંદીમાં રૂ.૨૦૦નો ઘટાડો નોંધાઇ ૩૯,૦૦૦ પ્રતિકિલોની સપાટીએ ભાવ જોવા મળ્યો છે.

નોંધનીય છે કે ભારતની પરંપરાગત માન્યતા મુજબ દક્ષિણ ભારત સહિત દેશના મોટા ભાગનાં રાજ્યોમાં અખાત્રીજના દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે અને તેના કારણે અખાત્રીજના દિવસે સોનાની ધૂમ ખરીદી જોવા મળે છે.

પાછલા કેટલાય સમયથી સ્થાનિક બજારમાં સોનાના ભાવ ૩૨ હજારની સપાટીની નજીક જોવા મળ્યા હતા. જ્વેલર્સને ઊંચા ભાવે ખરીદીમાં ઘટાડો થવાની ચિંતા સતાવી રહી હતી, જોકે ભાવ ઘટતાં તેમાં રાહત જોવા મળી છે.

You might also like