શહેરભરમાં ચાલવા માટે બનાવાયેલી ફૂટપાથ હવે ખરેખર ‘ચાલવા’લાયક બનશે

અમદાવાદ: મેગા સિટી અમદાવાદના રસ્તા ઉપર દરરોજ ૭૦૦ વાહન ઉમેરાઈ રહ્યાં છે. શહેરમાં જાહેર પરિવહનની સેવા જેવી કે એએમટીએસ, બીઆરટીએસ અસરકારક બની નથી. આવા સંજોગોમાં ભરચક રસ્તા પગપાળા નાગરિકો માટે જોખમી બન્યા છે, જોકે રસ્તા પરની ફૂટપાથની હાલત પણ લેશમાત્ર વખાણવા જેવી નથી.

અનેક વિસ્તારમાં ફૂટપાથ કાં તો તૂટેલી-ફૂટેલી છે અથવા સાંકડી છે અથવા તો એક અથવા બીજા પ્રકારના દબાણથી ગ્રસ્ત હોઈ લોકો માટે સગવડરૂપ બનાવાના બદલે આફત આપનારી બની છે, પરંતુ હવે સત્તાવાળાઓ રહી-રહીને જાગ્યા હોઈ શહેરની ફૂટપાથને ‘ચાલવા યોગ્ય’ સ્થિતિમાં લાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

શહેરના મુખ્ય રસ્તાને ટ્રાફિકની સરળ અવરજવર માટે દબાણમુક્ત કરાવવા કમિશનર મૂકેશકુમાર અંગત રસ દાખવી રહ્યા છે. મુખ્ય રસ્તા પરની બિલ્ડિંગના સંચાલકને જે તે વાહન રસ્તા પર પાર્ક કરવાના મામલે તંત્રના સર્વેના આધારે નોટિસ ફટકારાઈ રહી છે. જેમાં પંદર દિવસમાં રોડ પર પાર્ક કરાતાં વાહનને હટાવી લઈને બિલ્ડિંગના પાર્કિંગમાં જ પાર્ક કરવાની કડક તાકીદ કરાઈ છે.

જે પ્રકારે રોડ પરના લારી-ગલ્લા અને આડેધડ પાર્ક કરાતાં વાહનના દબાણથી ટ્રાફિક જામની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે તેની સામે મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારે લાલ આંખ કરી છે તે જ રીતે ફૂટપાથ પરના દબાણ વિરુદ્ધ પણ તેમણે કડક પગલાં ભરવા કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ગાંધીરોડ જેવા રોડ પર તો ફૂટપાથ ‘ચાલવા યોગ્ય’ જ રહી નથી.

વેપારીઓ દ્વારા ફૂટપાથ પર ખુલ્લેઆમ દુકાનના માલસામાન ખડકાય છે. કેટલાક માથાભારે વેપારીઓ દ્વારા ફૂટપાથ પર જ વધારાની દુકાન માંડી દેવાનો ત્રાસ શહેરભરમાં ઓછો વધતો જોવા મળે છે. કેટલાક વિસ્તારની ફૂટપાથ પર ખાણી-પીણીનાં ગેરકાયદે બજાર ધમધમે છે. ફૂટપાથ પર લારી-ગલ્લાના દબાણથી પણ લોકો પરેશાન છે.

આ ઉપરાંત સમગ્ર અમદાવાદમાં ફૂટપાથ પર અડ્ડો જમાવીને વાહન રિપેરિંગ કરતી કેબિનના નડતરથી લોકો ત્રાસી ઊઠ્યા છે. આ કહેવાતા ‘ઓટો ગેરેજ’ના ધંધાર્થીઓનો ફૂટપાથ પર કબજો તંત્ર હટાવી શક્યું નથી. શહેરની ફૂટપાથને આવા તમામ દબાણથી ‘મુક્ત’ કરવા કમિશનર મૂકેશકુમારે તમામ ઝોનના એસ્ટેટ વિભાગને આદેશ આપ્યો છે. જે તે ઝોનના આસિસ્ટન્ટ કમિશનરને ફૂટપાથને ‘ચાલવા યોગ્ય’ બનાવવાના આ અભિયાનનું મોનિટરિંગ કરવાની સૂચના પણ કમિશનર દ્વારા અપાઈ ગઈ છે.

You might also like