ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો માટે રૂ.૧૦ની એન્ટ્રી ફી રખાઇ હોવા છતાં અમદાવાદીઓને ફ્લાવર શોનું ઘેલું લાગ્યું છે. જેના કારણે સત્તાધીશોએ વધુને વધુ નાગરિકો ફ્લાવર શોની મુુલાકાત લઇ શકે તેવા આશયથી તેની આવતી કાલે પૂરી થનારી મુદતમાં ચાર દિવસનો વધારો કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.

તંત્રનો ફ્લાવર શો તેના પ્રારંભના પહેલા જ દિવસથી લોકોને આકર્ષી રહ્યો છે. પાછલા તમામ ફ્લાવર શોમાં લોકો માટે મફત પ્રવેશની વ્યવસ્થા રખાઇ હતી. જેના કારણે ભારે ભીડ થવાથી અમુક વાર ફ્લાવર શોમાં ભારે અવ્યવસ્થા સર્જાતી હતી. જેને રોકવાના હેતુથી સત્તાવાળાઓએ બાળકો માટેની મફત પ્રવેશની જોગવાઇને જાળવી રાખીને પુખ્તો માટે રૂ.૧૦ની એન્ટ્રી ફી રાખી છે. તેમ છતાં ફ્લાવર શોની લોકપ્રિયતા અકબંધ રહી છે.

ગઇ કાલના રવિવારના રજાના દિવસેે સવારથી જ મોટી સંખ્યામાં નાગરિકો ફ્લાવર શો જોવા માટે ઊમટી પડયા હતા. સાંજના પ-૦૦ વાગ્યાના સુમારે તો એટલી બધી ભીડ થઇ ગઇ હતી કે તંત્રને તમામ ટિકિટ બારી બંધ રાખીને લોકોને મહેરબાની કરીને આવશો નહીં તેવી અપીલ કરવાની ફરજ પડી હતી. જોકે મ્યુનિસિપલ તંત્રે ટ્વિટર પર આવી અપીલ કરતાં આ બાબત મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે ટીકાપાત્ર બની હતી. લગભગ અડધો કલાક ટિકિટ બારી પણ અંધાધૂંધી સર્જાવાના કારણે તેને બંધ રખાઇ હતી.

આવતી કાલે ફલાવર શોની મુદત પૂરી થાય છે, પરંતુ જે પ્રકારે ફ્લાવર શો જોવા-નિહાળવાનો લોકોમાં થનગનાટ છે તેને જોતાં શું તેની મુદતમાં વધારો કરાશે? તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે કે ફ્લાવર શોની મુદતમાં ચાર દિવસનો વધારો કરીશું.

દરમિયાન ગત તા.૧૬થી ર૦ જાન્યુઆરી સુધીના છેલ્લા પાંચ દિવસમાં સાત લાખથી વધુ લોકો દ્વારા ફ્લાવર શોનો લહાવો લેવાયો હોવાનો દાવો તંત્રે કર્યો છે. ફ્લાવર શોથી મ્યુનિસિપલ તિજોરીને રૂ.પ૦ લાખથી વધારેની આવક થઇ હોઇ ગઇ કાલની જેમ આજથી લોકોની સુવિધા માટે ૧૦થી વધુ ટિકિટ બારી ખુલ્લી મુકાશે.

જોકે રાતના ૯-૦૦ વાગ્યા બાદ ટિકિટ અપાશે નહીં. આ દરમિયાન ફલાવર શોમાં મુલાકાતીઓ માટે પીવાનાં પાણી અને ટોઇલેટની વ્યવસ્થા સંતોષકારક ન હોવાથી ફરિયાદો ઊઠી છે.

You might also like