પ્રથમ તબક્કે ૨૦ સ્માર્ટ સિટીની કેન્દ્રની જાહેરાત

નવી દિલ્હી : સ્માર્ટ સિટી યોજના હેઠળ વિક્સાવવામાં આવનાર પ્રથમ ૨૦ શહેરોના નામોની આજે  જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી એમ વેંકૈયાનાયડુએ એક પત્રકાર પરિષદમાં સ્માર્ટ સિટી ચેલેન્જ સ્પર્ધામાં વિજેતા બનેલા ૨૦ શહેરોની યાદી જાહેર કરતા જણાવ્યું હતું કે પસંદગી પામેલા સ્માર્ટ શહેરોમાં પાંચ વર્ષના ગાળા દરમ્યાન રૂ.૫૦,૮૦૨ કરોડનું રોકાણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં વિક્સાવવામાં આવનાર સ્માર્ટ શહેરોમાં પાંચ શહેરો વિવિધ રાજ્યોના પાટનગરો છે.

મધ્યપ્રદેશના સૌથી વધુ ત્રણ શહેરો ઈન્દોર, ભોપાલ અને જબલપુરને પ્રથમ તબક્કામાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના એકપણ શહેરનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સ્માર્ટ સિટી ચેલેન્જ સ્પર્ધામાં કુલ ૧૦૦ શહેરો હતા. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ સ્માર્ટ સિટીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્માર્ટ સિટીમાં પસંદગી પામેલા શહેરોમાં અમદાવાદ અને સુરતનો સમાવેશ થાય છે.

કેન્દ્ર આ શહેરોને શહેરને સ્માર્ટ બનાવવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં રૃા.૫૦૦-૫૦૦ કરોડ ફાળવશે તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ દ્રારા કરવામાં આવી હતી. પ્રથમ તબક્કાના લિસ્ટમાં રાજકોટનું નામ જાહેર થશે તેવી આશા હતી પરંતુ તે સાર્થક થઈ નથી. હવે બીજા તબક્કામાં રાજકોટનું નામ જાહેર થાય તેવી શકયતા છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રથમ તબકકે ૨૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરાશે જયારે બીજા તબક્કામાં ૪૦ અને ત્રીજા તબક્કામાં ૪૦ શહેરોને ડેવલપ કરાશે.

પ્રથમ તબક્કા માટે પસંદગી પામેલા  ૨૦ શહેરોને અભિનંદન પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. પ્રથમ તબક્કામાં સમાવેશ પામેલા શહેરોમાં ભુવનેશ્વર (ઓડિશા), પૂણે(મહારાષ્ટ્ર), જયપુર(રાજસ્થાન), સુરત(ગુજરાત), કોચ્ચિ (કેરળ),અમદાવાદ (ગુજરાત), જબલપુર (મધ્યપ્રદેશ), વિશાખાપટ્ટનમ, સોલાપુર (મહારાષ્ટ્ર), ધવલગિરિ (કર્ણાટક), ઈન્દોર(મધ્યપ્રદેશ), નવી દિલ્હી નગર નિગમ, કોઈમ્બતુર(તમિળનાડુ), કાકીનાડા (આંધ્રપ્રદેશ), બેલગામ (કર્ણાટક), ઉદયપુર (રાજસ્થાન), ગુવાહાટી (આસામ), ચેન્નાઈ (તમિળનાડુ), લુધિયાણા (પંજાબ), ભોપાલ (મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.

આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં શહેરોને વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સારું વાતાવરણ પૂરું પાડવા માટે રૂ.૫૦,૮૦૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે.  નાયડુએ જણાવ્યું કે દિલ્હીથી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. જે કંઈ થશે તે શહેરી સ્તરે સ્થાનિક સંસ્થાઓ દ્વારા થશે. રોકાણના આધારે શહેરોની પસંદગી થઈ રહી હોય તેવું વિશ્વમાં સંભવત આ પ્રથમ વખત બની રહ્યું છે.

આ યોજના હેઠળ સ્માર્ટ બનાવવામાં આવનારા શહેરોમાં વીજળી-પાણીની સુવિધા, સફાઈ અને ઘન કચરાના નિકાલનું વ્યવસ્થાપન, કાર્યદક્ષ શહેરી અવરજવર, જાહેર પરિવહન, ઈન્ફર્મેશન ટેકનોલોજી કનેક્ટિવિટી, ઈ-ગવર્નન્સ અને નાગરિક ભાગીદારી હેઠળ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

તે પછીના વર્ષોમાં સરકાર દેશમાં ૧૦૦ સ્માર્ટ સિટી વિકસાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના મુજબ ૪૦-૪૦ શહેરોની જાહેરાત કરશે.  નાયડુએ અત્રે ડિફેન્સ કોલેજમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અધ્યયન’ વિષય પર કાર્યક્રમને સંબોધતા આ જાહેરાત કરી હતી

You might also like