ગેલ માટે IPLના ઇતિહાસમાં પહેલી વાર બદલાયો નિયમ

બેંગલુરુઃ આઇપીએલમાં અઢળક રન બનાવનારા વિન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને કિંગ્સ ઈલેવન પંજાબે આખરે ખરીદી લીધો. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ગેલને કોઈ ફ્રેંચાઇઝી નહીં ખરીદે. બાદમાં હરાજી પૂરી થવાના થોડા સમય પહેલાં નિયમ બદલીને ક્રિસ ગેલની બોલી લગાવવામાં આવી.

ગત શનિવારે જ્યારે ખેલાડીઓની હરાજી શરૂ થઈ ત્યારે ક્રિસ ગેલને કોઈ ટીમે ખરીદ્યો નહીં. એ જ રીતે બીજા દિવસે પણ જ્યારે વિન્ડીઝના આ વિસ્ફોટક બેટ્સમેનનું નામ બોલવામાં આવ્યું ત્યારે પણ કોઈ ફ્રેંચાઈઝીએ તેના પર બોલી લગાવી નહીં.

ત્યાર બાદ જ્યારે હરાજી ખતમ થવાની હતી ત્યારે કિંગ્સ ઈલેવન પંજાબે ખાસ અનુરોધ કર્યો. પંજાબના આ અનુરોધ પર ક્રિસ ગેલની ફરીથી બોલી લગાવવામાં આવી. ત્રીજી વાર લાગેલી બોલીમાં કિંગ્સ ઈલેવન પંજાબે ગેલને તેની બેસ પ્રાઇઝ બે કરોડ રૂપિયામાં ખરીદી લીધો.

નિયમ એવો છે કે જો કોઈ ખેલાડી ના વેચાય તો બીજા દિવસે તેના માટે ફરીથી બોલી લગાવાય છે અને બીજા િદવસે પણ ના વેચાય તો એ ખેલાડીને હંમેશ માટે ‘અનસોલ્ડ’ કેટેગરીમાં મૂકી દેવામાં આવે છે.

ગેલ જેવા કદાવર ખેલાડીના મામલામાં ગઈ કાલે કંઈક અલગ જ બન્યું અને કિંગ્સ ઈલેવન પંજાબના ખાસ અનુરોધ બદલ ગેલની બોલી ત્રીજી વાર લગાવવામાં આવી. આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ ખેલાડી માટે ત્રીજી વાર બોલી લગાવવામાં આવી નથી. આ રીતે દુનિયાની આ સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ લીગમાં આ ધુરંધર ખેલાડીની કરિયર ખતમ થવાથી બચી ગઈ.

અચાનક પંજાબની ટીમે ગેલ પર કેમ દાવ લગાવ્યો એ સવાલનો જવાબ મેળવવા તમામ લોકો આતુર હતા. પંજાબના મેન્ટર વીરેન્દ્ર સેહવાગે કહ્યું, ”તેની હાજરી જ ટીમ માટે પૂરતી છે. એક ઓપનર તરીકે તે કોઈ પણ વિરોધી ટીમ માટે સૌથી મોટું જોખમ છે. ટીમ મેનેજમેન્ટ કંઈક બીજી રીતે પણ વિચારી રહ્યું છે.

ભલે તેની ક્રિકેટ કરિયર પૂરી થવાની અણી પર છે, પરંતુ તેની બ્રાન્ડ વેલ્યૂ ઘણી મોટી છે.માર્કેટિંગની દૃષ્ટિએ ગેલનું મહત્ત્વ ઘણું છે. ગેલ ભલે ટીમ માટે વધુ મેચ ના રમે, પરંતુ તેને બેકઅપ ઓપનર તરીકે રાખવામાં આવશે.”

You might also like