પીપળજ-પીરાણા રોડ પર આવેલી પ્રોસેસિંગ ફેક્ટરીમાં ભીષણ આગ, લાખો રૂ‌પિયાનું નુકસાન

અમદાવાદ: નારોલ સર્કલ નજીક પીપળજ-પીરાણા રોડ પર આવેલી એક પ્રોસેસિંગ ફેકટરીમાં મોડીરાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડના જવાનોએ આગને અંકુશમાં લીધી હતી.

ફાયરબ્રિગેડના જણાવ્યા પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે નારોલ સર્કલ નજીક પીપળજ-પીરાણા રોડ પર આવેલી પ્રેમ પ્રોસેસિંગ નામની ફેક્ટરીમાં ગઇ મોડી રાત્રે ૩-૩૦ વાગ્યાના સુમારે અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ ફેકટરીમાં કાપડનું પ્રોસેસિંગ કરવાનું કામકાજ કરવામાં આવે છે. આગ ફાટી નીકળતા જ આજુબાજુમાં રહેતા લોકોએ ભયના કારણે નાસભાગ કરી મૂકતા અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો.

આગમાં મશીનરી તેમજ કાપડનો જથ્થો બળીને ખાખ થઇ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનોએ ફાયર ફાઇટરો અને વોટર ટેન્કરો સાથે પહોંચી જઇ ભારે જહેમત બાદ આગને અંકુશમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળી શક્યું નથી.

You might also like