ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ વન ડે ઈંગ્લેન્ડે જીતી લીધીઃ બેરિસ્ટોની વિસ્ફોટક સદી

ક્રાઇસ્ટચર્ચઃ પ્રવાસી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે અહીં રમાયેલી પાંચ વન ડે મેચની શ્રેણીની અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવી ૩-૨થી શ્રેણી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની જીતનો હીરો મેન ઓફ ધ મેચ જાહેર થયેલો જોની બેરિસ્ટો રહ્યો હતો. તેણે ફક્ત ૬૦ બોલમાં નવ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૧૦૪ રન ઝૂડી કાઢ્યા હતા.

ટોસ જીતીને ઈંગ્લેન્ડના કેપ્ટન રૂટે ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ ઈંગ્લેન્ડના ચુસ્ત બોલિંગ આક્રમણ સામે ન્યૂઝીલેન્ડની આખી ટીમ ૪૯.૫ ઓવરમાં ફક્ત ૨૨૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ૫૫ રન હેનરી નિકોલ્સે અને ૪૭ રન માર્ટિન ગપ્ટિલે બનાવ્યા હતા.

૨૨૪ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલા ઈંગ્લેન્ડના ઓપનરો જોની બેરિસ્ટો અને એલેક્સ હેલ્સે તોફાની શરૂઆત કરી હતી અને જોતજોતામાં ૨૦.૨ ઓવરમાં જ ૧૫૫ રન ઝૂડી કાઢ્યા હતા. આ જ સ્કોર પર ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટ બેરિસ્ટોના રૂપમાં પડી હતી.

તે ૧૦૪ રન બનાવી બૌલ્ટની બોલિંગમાં હિટ વિકેટ થયો હતો. જ્યારે એલેક્સ હેલ્સે આઉટ થતાં પહેલાં ૬૧ રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડે વિજયી લક્ષ્ય ફક્ત ૨૯.૪ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. ક્રિસ વોએક્સને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

You might also like