ઉછીના લીધેલા રૂપિયા પરત આપવા છતાં દુકાન પડાવી છેતરપિંડી થતાં કારખાનેદારે આત્મહત્યા કરી લીધી

અમદાવાદ: રાજકોટના કોઠા‌રિયા ગામમાં જૂના સ્વાતિપાર્ક-૭માં રહેતા કારખાનેદારની આત્મહત્યાના મામલે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ઉધાર લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં દુકાન નામે ન કરી દઇ ઠગાઇ કરવામાં આવતાં કારખાનેદારે મજબૂર થઇ જીવ દઇ દીધાની વિગતો બહાર આવતાં આજી ડેમ પોલીસે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે કોઠા‌રિયા ગામમાં જૂના સ્વાતિપાર્ક-૭માં રહેતા હસમુખભાઇ આસોદ‌િરયા કિસાન ઇન્ડસ્ટ્રીઝમાં શ્રીનાથજી નામે એસએસ પાઇપના જોબવર્કનું કારખાનું ધરાવતા હતા. ૭ ઓગસ્ટે સવારે હસમુખભાઈ અને કારીગર અશ્વિનભાઇ તથા અજયભાઇ સહિતના કારખાનામાં હાજર હતા.

બપોરના બારથી એક વાગ્ય સુધી કારખાનું બંધ કરી જમવા ગયા હતા. તે વખતે હસમુખભાઈએ તેમના પુત્રને વાત કરી હતી કે આપણે જમીન વેચી હતી અને તેના આવેલા રૂ.૪૦ લાખ રાજુભાઇ ‌િશંગાળા હસ્તક મનસુખભાઇ વોરા (રહે. ખોખડદળ)ને પંદર દિવસના વાયદાથી ઉછીના આપ્યા હતા.

એ વાતને આજે પાંચ વર્ષ થઇ ગયાં છતાં તે પૈસા પાછા આપતા નથી. અનેક ધક્કા ખાવા છતાં આ રકમ પાછી આવી નથી અને ખોટા વાયદા કર્યે રાખે છે અને એવી ધમકી આપે છે કે જો ખોટા ધક્કા ખાશો તો પોલીસ ફરિયાદ કરી દઇશ.

કારખાનાની બાજુની ઓફિસવાળા વિજયભાઇ ફાઇનાન્સવાળાને પણ પૈસા ચૂકવવાના છે અને તે પણ મારી નાખવાની ધમકી આપે છે. પુનાભાઇ ટો‌ળિયા રાધે હોટલવાળાને તેના નવ લાખ ચૂકવી દીધા છે છતાં રાધે હોટલવાળી દુકાન નામે કરી આપતા નથી અને થાય તે કરી લેવાની ધમકી આપે છે.

આ વાત તેમના નાના ભાઈ રમેશભાઇને પણ કરી હતી. ૯ ઓગસ્ટે સવારે સાડા સાતેક વાગ્યે ઘરમાં હસમુખભાઈ જોવા ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન કારખાનાની બાજુના ચાવાળાએ ફોન કરેલ કે તેમનું એ‌િકટવા કારખાના બહાર પડ્યું છે અને શટર બંધ છે. ત્યાં જઇ તપાસ કરતાં હસમુખભાઈએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થઇ હતી.

આજી ડેમ પોલીસને એક ચિઠ્ઠી તેમના ખિસ્સામાંથી મળી હતી, જેમાં લખ્યું હતું કે વિજયભાઇનું ફૂલ દબાણ છે, અગિયાર પહેલાં પૈસા નહિ આપે તો મારી નાખીશ એવું લખ્યું હતું તેમજ પાછળના ભાગે લખ્યું હતું કે દબાણ કરવાવાળા પુના ટો‌ળિયા પાસેથી દુકાન લીધી છે. નવ લાખ આપી દીધા છે છતાં દુકાન નામે કરતો નથી તેમજ મનસુખભાઇ વોરાને રૂ. ૪૦ લાખ આપ્યા હતા તે પણ પાછા આપતા નથી અને ધમકી આપે છે. એણે ગદ્દારી કરી છે.

સાહેબ મારા ૪૦ લાખ પરત કરાવજો, નહિતર મારાં છોકરાં મરી જશે. ગમે તેમ કરીને પૈસા પરત અપાવજો, અમારી પાસે બીજી કોઇ મિલકત નથી. પાંચ વર્ષથી તે પૈસા આપતો નથી. મનસુખ વોરા અમારો કાળ બનીને આવ્યો છે. પોલીસે આ ચિઠ્ઠીના આધારે તપાસ કર્યા બાદ હવે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

You might also like