બધાં દુખોનું અસ્તિત્વ છે ત્યાં જ પરમ સુખનું અસ્તિત્વ

બુદ્ધ દુખની ચર્ચા કરતી વખતે તેનાં કારણો સમજાવે છે, તેનાં નિવારણની વાત કરે છે અને સુખની ચર્ચા કરતી વખતે સુખનાં કારણો પર પ્રકાશ પાડી તેના સંવર્ધનની વાત કરે છે. જો બુદ્ધે દુખની મિમાંસા કરીને દુઃખથી દૂર રહેવાનો ઉપદેશ આપવાને બદલે એમ કહ્યું હોત કે દુઃખ તો સર્વત્ર છે અને કાયમ રહેવાનું છે, એમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવાનું વ્યર્થ છે તેથી દુઃખ દૂર કરવાની ઈચ્છા કે મહેનત કરવાનાં જ નહીં, તો બુદ્ધ જરૂર દુઃખવાદી ગણાત, નિરાશાવાદી ગણાત.

જો આમ હોત તો સમગ્ર માનવજાત માટે ગૌતમ બુદ્ધનો દુઃખદાયી ઉપદેશ નુકસાનકારક બની જાત. વાસ્તવિક્તા એ છે કે બુદ્ધે કયારેય એવું કહ્યું નથી કે દુઃખથી છુટકારો મેળવવાનું અશકય છે. બલકે, એમણે તો દુખમાંથી બહાર આવવા માટે વિપશ્યનાનો સો ટકા પ્રેકિટક્લ અને કોઈ પણ માણસ વ્યવહારમાં એપ્લાય કરી શકે તેવો માર્ગ ચીંધાડયો.

જરા (બુઢાપો), વ્યાધિ (બીમારી), મૃત્યુ, પ્રિયજનનો વિયોગ, અપ્રિયનો સંયોગ, ઈચ્છિત વસ્તુ ન થવી. આ બધું દુખદાયક છે જ. વારે વારે જન્મ લઈને મૃત્યુ પામતા રહેવાનું જે ચક્ર ચાલતું રહે છે તેને બુદ્ધે દુખનું મૂળ ગણાવ્યું. બૌદ્ધિઝમમાં પૂર્વજન્મોનાં સંસ્કારો અને જન્મ મરણનાં ચક્રમાંથી છૂટકારાને ખૂબ મહત્ત્વ અપાયું છે. પૂર્વજન્મની વાતો અને થિયરીઓ ઘણાને અપીલ કરતી નથી, પણ એને અવગણીને પણ બુદ્ધના બાકીના ઉપદેશને, સુખ દુખમાં સતત સમતા રાખવાની વાતને અપનાવી શકાય છે.

ઓગણત્રીસ વર્ષની ઉંમરે સિદ્ધાર્થે જ્યારે બુઢાપો, બીમારી અને મૃત્યુની સચ્ચાઈ જોઈ ત્યારે ભવિષ્યમાં પોતાની દશા પણ આવી જ થવાની છે એવું ભાન થવાથી વ્યાકુળ નહોતા બન્યા. તેમના મનમાં જીવ માત્ર માટે કરુણા જાગી હતી. એમના મનમાં સવાલ જાગ્યો કે શું જન્મ લેનાર તમામ જીવોએ આ દુઃખોમાંથી પસાર થવું જ પડે? તેમાંથી છૂટકારો મેળવવાનો કોઈ ઉપાય નથી? સાથે સાથે તેમને એમ પણ થયું કે જ્યાં આટલાં બધાં દુખોનું અસ્તિત્ત્વ છે ત્યાં પરમ સુખનું અસ્તિત્ત્વ પણ હોવાનું જ.

જ્યાં વારંવાર જન્મ લેવાનું વિદ્યમાન છે ત્યાં વાંછિત અજન્માવસ્થા પણ વિદ્યમાન છે જ. પાપજન્ય પીડાથી ઘેરાયેલા લોકો માટે મુકિતનો કોઈક મંગલમય માર્ગ હોવાનો જ. બુદ્ધને એવો માર્ગ શોધવો હતો જે જન્મજન્માંતરના ચક્રમાંથી સદાને માટે મુકિત અપાવે.

બુદ્ધના ઉપદેશમાં ભલે ઈશ્વરનો આધાર લેવાયો નથી, પણ આ વિદ્યા શીખનાર વ્યકિત નથી કુટિલ બનતી, નથી ખલ બનતી કે નથી કામી બનતી. બલકે એ તો સદાચારી બને છે, એનું મન સંતુલિત તેમજ શુદ્ધ થાય છે અને એ મૈત્રી તેમજ કરુણાની સદભાવનામાં તરબતર રહે છે. જે વિદ્યા આટલી શુદ્ધ અને પાવન હોય તેમાં ઈશ્વરનો કોઈ આધાર નથી એમ ક્હીને કેવી રીતે અવગણી શકાય? જો ધર્મજ્ઞાનનો નક્કર અભ્યાસ કરીને તેને વ્યવહારમાં નહીં મૂકીએ તો આપણે કેવળ દાર્શનિક કે સાંપ્રદાયિક વિવાદોમાં જ ગૂંચવાયેલા રહીશું.•

You might also like