તુર્કીમાં લશ્કરી બળવો થવા પાછળ ચોક્કસ કારણો છે

તુર્કીમાં એકાએક લશ્કરે બળવો પોકારીને સત્તાપલટો કરવાની કોશિશ કરી હતી. સદ્નસીબે લોકોના સહકારથી તુર્કીના પ્રમુખ રિસેપ તઇપ એર્દાગોને અને વડા પ્રધાન બિનાલી યિલદિરિમે આ સત્તાપલટાને નાકામિયાબ બનાવ્યો હતો. જોકે તુર્કીમાં આ સ્થિતિ રાતોરાત સર્જાઇ નથી. ૧૯૬૦થી લઇને અત્યાર સુધીમાં તુર્કીમાં ત્રણ વખત સત્તાપલટો થઇ ચૂકયો છે. તુર્કીમાં સત્તાપલટો થવા પાછળના કારણોનો ગહનતાથી અભ્યાસ કરીએ તો જાણવા મળે છે કે તુર્કીમાં લોકતંત્ર ધીમે ધીમે ઓસરતું જાય છે. તઇપની પાર્ટી ર૦૦રમાં સત્તા પર આવી હતી અને આ પાર્ટીએ લોકોની અભિવ્યકિતની સ્વતંત્રતા વિરુદ્ધ કામ કર્યું હતું.

આ ઉપરાંત તુર્કી સરકારનું વલણ ઇસ્લામ તરફી રહ્યું છે અને ધર્મ નિરપેક્ષ કાયદાના સ્થાને ઇસ્લામિક નિયમો લાગુ પાડવાની કોશિશ કરી છે. આ ઉપરાંત અમેરિકા સાથે પણ તુર્કીના સંબંધો વણસી રહ્યા છે અને પ્રમુખ તઇપને પણ લશ્કર સાથે સંબંધો વણસી ગયા છે. તઇપ સત્તા પર આવ્યા બાદ બંધારણમાં પણ ફેરફાર કરવાનું દબાણ ચોમેરથી થઇ રહ્યું હતું અને આમ આ બધા કારણો ભેગા થવાથી તાજેતરમાં તુર્કીમાં લશ્કરનાં એક જૂથે બળવો પોકારીને સત્તા પલટો કરવાની કોશિશ કરતાં તુર્કીનું પાટનગર અંકારા અને ઈસ્તંબુલ ટેન્ક અને ફાયરિંગ તેમજ બોમ્બ બ્લાસ્ટના અવાજોથી ધણધણી ઊઠ્યાં હતાં તેમજ ચોમેરથી બ્લાસ્ટ, હવાઈ હુમલા, ગન ફાયરના અવાજો સંભળાઈ રહ્યા હતા.

તુર્કીમાં ૧૭ પોલીસ અધિકારી સહિત ૬૦ લોકોનાં મોત થયાં હતાં તેમજ ઓછામાં ઓછા ૧૫૦ લોકો ઘાયલ થયા હતા. તુર્કીએ નવા લશ્કરી વડાની નિમણૂકની જાહેરાત કરી દીધી છે. આમ તુર્કી પોલીસે લશ્કરના બળવા અને સત્તા પલટો કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. તુર્કીના રાષ્ટ્ર પ્રમુખ રિસેપ તઈપ એર્દોગોન સહી સલામત પાટનગર ઈસ્તંબુલ પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચીને તેમણે જાહેર કર્યું હતું કે કોઈ પણ તાકાત દેશની ઈચ્છા સામે ટકી શકે નહીં.

અહેવાલો અનુસાર પ્રમુખ રિસેપ તઈપ એર્દોગોનના ઘરની બહાર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તેને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી. ઈસ્તંબુલમાં લશ્કરના ગોળીબારમાં બે નાગરિકોનાં મોત થયાં હતા. તેમજ સંસદની બહાર બે બ્લાસ્ટ થયા હતા.

અંકારામાં તો મોટા લશ્કરી અધિકારીઓને વિદ્રોહી સેનાએ બંધક બનાવી દીધા હતા. લશ્કરે સરકારી ટીવી મારફતે એવી જાહેરાત કરી હતી કે તેણે સત્તા પર કન્ટ્રોલ મેળવીને માર્શલ લો લાગુ પાડી દીધો હતો. તેમજ સત્તા પલટામાં સામેલ ચાર બળવાખોર લશ્કરી અધિકારીને સ્પેશિયલ દળના જવાનોએ ઠાર માર્યા હતા. જોકે તુર્કીના પ્રમુખ તઈપે લશ્કરના પ્રયાસોને નિષ્ફળ જાહેર કર્યા હતા.

તુર્કી પોલીસ બળવા પર ઊતરી આવેલી સેના સામે ટક્કર લઈ રહી હતી અને એક લશ્કરી હેલિકોપ્ટરને ફૂંકી માર્યું હતું. તુર્કીની એમઆઈટી ગુપ્તચર એજન્સીએ એવો દાવો કર્યો હતો કે સ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે. લશ્કર દ્વારા સત્તા પલટા સામે ભારે વિરોધ થતા લશ્કરને પીછેહઠ કરવી પડી હતી.
તુર્કીના પ્રમુખની અપીલ બાદ લોકો વિદ્રોહી સેના સામે રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સખત વિરોધ કરી રહ્યા હતા તો કેટલાક લોકો લશ્કરની ટેન્ક નીચે સૂઈ ગયા હતા અને ઘણા લોકોએ લશ્કરની ગાડીઓને આગળ વધતી રોકી લીધી હતી. લશ્કરને રાષ્ટ્રપતિ તરફથી એવા લોકોને ગોળી મારવાના આદેશ કરવામાં આવ્યા હતા કે જેમણે પ્લેન હાઈજેક કરીને સત્તા પલટાની કોશિશ કરી હતી.

આમ તુર્કીમાં ભલે તાજેતરમાં લશ્કરી બળવો અને સત્તાપલટો નિષ્ફળ બનાવવામાં આવ્યો હોય પરંતુ સમગ્ર તુર્કીમાં હજુ પણ અંદરખાને સરકાર સામે અસંતોષનો ચરુ ઊકળી રહ્યો છે અને ગમેે તે ક્ષણે ફરીથી તુર્કીમાં ભડકો થઇ શકે છે.

You might also like