જમ્મુ-કાશ્મીરના કૂલગામ, પુંચ અને ત્રાલ સેક્ટરમાં એન્કાઉન્ટર: બે આતંકી ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં છુપાયેલા આતંકીઓના સફાયા માટે ભારતીય સેનાએ લગભગ રોજ સઘન સર્ચ ઓપરેશન ચલાવવાનું શરૂ કર્યું છે. આજે સવારથી સુરક્ષાદળો અને સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં એકસાથે ત્રણ સ્થળે ત્રાટકીને આતંકીઓ પર મોટો હુમલો કર્યો હતો. સૌથી પહેલું એન્કાઉન્ટર કૂલગામ સેક્ટરમાં થયું, જ્યાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં એક જવાન શહીદ થયો છે. બીજી અથડામણ પુંચના માનકોટે સેક્ટરમાં થઈ. માનકોટેમાં આતંકીઓ સુરક્ષાદળોની ટુકડી પર બોમ્બ ફેંકીને ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં બે આતંકીઓ ઘાયલ થયા હતા અને હાલ તેમની તલાશ જારી છે. ત્રીજું એન્કાઉન્ટર ત્રાલ સેક્ટરમાં ચાલી રહ્યું છે. ત્રાલ સેક્ટરમાં એક આતંકી છુપાયો હોવાની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કૂલગામ, પુંચ અને ત્રાલ એમ ત્રણેય સ્થળ પર હજુ પણ સુરક્ષાદળો હાઈ એલર્ટ પર છે અને એન્કાઉન્ટર જારી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સુરક્ષાદળોને બાતમી મળી હતી કે કેટલાક આતંકીઓ દક્ષિણ કાશ્મીરના કૂલગામ સેક્ટરમાં છુપાયોલા છે. જવાનોએ જ્યારે આ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું ત્યારે ગભરાયેલા આતંકીઓએ અચાનક જ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ભારતીય જવાનોએ પણ વળતો જવાબ આપીને ગોળીબાર શરૂ કર્યો હતો. બંને તરફથી લાંબા સમય સુધી ચાલેલા ફાયરિંગમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા, જ્યારે એક જવાન શહીદ થયો હતો.
હજુ પણ કૂલગામ સેક્ટરમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે અને તે સુરક્ષાદળો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે. સ્થાનિક લોકોને સેનાએ ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. એન્કાઉન્ટરની આસપાસનો સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને સુરક્ષાદળોએ કોર્ડન કરી એક-એક ઘર તપાસવાનું શરૂ કર્યું છે.
પુલવામાના હાફુ ક્ષેત્રમાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું હોવાના અહેવાલો મળ્યા છે. સુરક્ષાદળોએ અહીં આતંકવાદીઓને ચોતરફથી ઘેરી લીધા છે અને સતત ફાયરિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત ત્રાલ સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલી સેનાની ટીમ પર આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ તુરંત વળતો જવાબ આપ્યો હતો. આ હુમલામાં સેનાના તમામ જવાન સુરક્ષિત છે. ત્રાલના કંચમુલમાં આતંકીઓએ પંચના ઘરમાં ગ્રેનેડ ફેંક્યો હતો. આ વિસ્તારમાં છુપાયેલા એક આતંકીનું લોકેશન સેનાએ શોધી કાઢ્યું છે અને હાલ તેને પકડવા ઓપરેશન ચાલી રહ્યું છે.
સેનાનું ‘ઓપરેશન ઓલઆઉટ’ સફળ: એક વર્ષમાં ૧રમાંથી નવ આતંકી કમાન્ડર ઠાર
કાશ્મીર ઘાટીમાં આતંકીઓના સફાયા માટે હાથ ધરવામાં આવેલું ‘ઓપરેશન ઓલઆઉટ’ સફળ રહ્યું છે અને તેના કારણે આતંકીઓ ખૂબ ગભરાયા છે. ઉલ્લેખનીય છે કે ર૦૧૬માં બુરહાન વાનીના મોત બાદ કાશ્મીરના ઘણા યુવાનો આતંકી સંગઠનોમાં જોડાયા હતા અને ઘાટીમાં દહેશત ફેલાવતા હતા. જૂન-ર૦૧૭માં આખરે ભારતીય સેનાએ મોટું પગલું ભરીને ૧ર મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ બનાવીને ‘ઓપરેશન ઓલઆઉટ’નો પ્રારંભ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમા ૧ર મોસ્ટ વોન્ટેડમાંથી નવ કમાન્ડર ઠાર મરાયા છે. હવે ફક્ત ત્રણ આતંકી કમાન્ડર ઝાકિર મુસા, રિયાઝ નાયકુ અને ઝીન્નત ઉલ ઈસ્લામ જ બચ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં સેનાએ ર૪૧ આતંકીઓનો સફાયો કરી નાખ્યો છે.

You might also like