દારૂ પીધેલા યુવકોએ મહિલાને ગાળો બોલી છેડતી કરી

અમદાવાદ: ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા ઓઝોન રેસિડેન્સીમાં ગઇ કાલે રાત્રે ફલેટના જ એક યુવક સહિત ચાર યુવકોએ દારૂ પીધેલી હાલતમાં મહિલાનેે ગાળો બોલી છેડતી કરી હતી. ફલેટના રહીશો ભેગા થઇ જતાં ફલેટના યુવક સહિત બે યુવકોનેે ઝડપી લેવાયા હતા. જ્યારે બે યુવક ફરાર થઇ ગયા હતા. સાબરમતી પોલીસે ગુનો નોંધી હાલ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ન્યૂ રાણીપમાં આવેલી ઓઝોન રેસિડેન્સીમાં એક મહિલા તેના પરિવાર સાથે રહે છે. ગઇ કાલે રાત્રે મહિલા દૂધ લેવા પોતાના બ્લોકની સીડી પરથી નીચે ઊતર્યાં ત્યારે લિફટમાં તેમના ફલેટમાં રહેતો હિતાર્થ સોની, આનંદ સોની અને બીજા બે શખ્સ નીચે આવી તેમને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.

ગાળા ગાળી બાદ એક યુવકે તેમનો હાથ પકડી લીધો હતો. મહિલાએ બુમાબુમ કરતાં ફલેટના લોકો દોડી આવ્યા હતા. કોઇ કારણસર ચારેયે બોલાચાલી અને ગાળા ગાળી કરી ફલેટના રહીશો સાથે પણ ઝઘડો કર્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જેથી બે શખ્સ ફરાર થઇ ગયા હતા. જ્યારે હિતાર્થ સોની અને આનંદ સોનીને રહીશોએ ઝડપી લીધા હતા. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. બંને યુવકો દારૂ પીધેલી હાલતમાં હોઇ પોલીસે દારૂ પીવા અંગેનો ગુનો પણ નોંધ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like