‘ડબલ મર્ડર’ મહિલા અને આધેડની લાશ લોહીથી લથપથ હાલતમાં મળતાં ચકચાર

અમદાવાદ: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંગમા ગામની સીમમાંથી લોહીથી લથપથ હાલતમાં એક આધેડ અને મહિલાની લાશ મળી આવતા અનેક રહસ્યો ઊભા થયા છે અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના સાંગમા ગામની સીમમાં આવેલી સિરામિક કંપનીની પાછળના ભાગેથી લોહી નીંગળતી હાલતમાં વડોદરાના રહેવાસી અને જીઇબીના એક નિવૃત્ત કર્મચારીની તેમજ મૂળ પાદરાની વતની અને હાલમાં ભરૂચમાં રહેતી એક મહિલાની લાશ મળી આવતા લોકોનાં ટોળેટોળાં એકત્ર થયા હતા.

આ બંને લાશો એક બીજા પર પડેલી હાલતમાં મળી આવી હતી. કોઇ અજાણ્યા શખસોએ બંનેની ક્રૂરતા પૂર્વક હત્યા કર્યા બાદ લાશને ફેંકી દીધી હોવાનું જણાય છે.

બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે તાબડતોબ ઘટનસ્થળે પહોંચી જઇ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સુધી કોઇ ચોક્કસ માહિતી મળી નથી.

વડોદરામાં રહેતા નિવૃત્ત જીઇબી કર્મચારી નટુભાઇ પંચાલને ભરૂચમાં રહેતી એક મહિલા સાથે પારિવારિક સંબંધો હતા જેના સંદર્ભમાં આ ઘટના બની હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like