શહેરમાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધ્યો મ્યુનિ. તંત્ર કુંભકર્ણની નિદ્રામાં

શહેરમાં રખડતાં ઢોરની જેમ રખડતાં કૂતરાંના ત્રાસથી નાગરિકો રોજ તોબા પોકારે છે. હાઇકોર્ટ દ્વારા રખડતાં ઢોરના મામલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાન આમળવામાં આવતા ન હોઇ જે રીતે રખડતાં ઢોરની સમસ્યામાં પાછી વૃદ્ધિ થઇ છે તે જ પ્રમાણે રખડતાં કૂતરાંના મામલે છે. તાજેતરમાં જમાલપુરની હેબતખાના મ‌િસ્જદ પાસે બે વર્ષના માસૂમ બાળકને રખડતાં કૂતરાંએ બચકાં ભરીને લોહીલુહાણ કર્યું હતું, જોકે તંત્ર હજુ પણ રખડતાં કૂતરાના ખસીકરણ રસીકરણના મામલે ઉદાસીન છે.

શહેરમાં રખડતાં કૂતરાંની વસ્તીમાં સતત વધારો થતો જાય છે. એક અંદાજ પ્રમાણે ત્રણ લાખ રખડતાં કૂતરાં એટલે કે દસ-વીસ નાગરિકે એક રખડતું કૂતરું છે. અમુક વિસ્તારમાં તો રખડતાં કૂતરાંના ત્રાસના કારણે સાંજ પડતાંની સાથે વૃદ્ધો અને મહિલાઓ ઘરની બહાર નીકળી શકતાં નથી. દરરોજ ૩૦૦ વ્યક્તિને રખડતાં કૂતરાં બચકાં ભરી લોહીલુહાણ કરે છે, જેના કારણે સમગ્ર શહેરમાં વ્યાપકપણે રખડતાં કૂતરાંનું ખસીકરણ અને રસીકરણ કરાય તે આવશ્યક બન્યું છે.

તેમ છતાં મેગા સિટી અમદાવાદમાં હાલની સ્થિતિએ એનિમલ હેલ્પ ફાઉન્ડેશન અને એનિમલ રાઇટ ફંડ એમ બે સંસ્થા જ આ કામગીરી કરે છે. આ બન્ને સંસ્થાઓએ ચાલુ એપ્રિલ મહિનાના પ્રારંભમાં પંદર દિવસમાં ફક્ત ૧૦૦૦ રખડતાં કૂતરાંનું ખસીકરણ-રસીકરણ કર્યું છે. અત્યારે પ્રતિ શ્વાનદીઠ રૂ.૪૪પના બદલે રૂ.૯૦૦નો ઊંચો ભાવ ચૂકવાતો હોવા છતાં ખસીકરણ-રસીકરણની કામગીરી સદંતર નબળી છે.

દોઢ મહિના પહેલાં સત્તાવાળાઓએ પાલનપુરના યશ ડોમે‌િસ્ટક રિસર્ચ સેન્ટર સહિત કુલ છ સંસ્થાને રખડતાં કૂતરાંના ખસીકરણ-રસીકરણ માટે મેદાનમાં ઉતારી હતી, જોકે ગોમતીપુર ખાતે રિનોવેશનની કામગીરી હજુ ચાલતી હોઇ ગોલ ફાઉન્ડેશન નવરૂધૂપ છે. આ સંસ્થાને ઉત્તર અને પૂર્વ ઝોન સોંપાયા છે.

યશ ડોમે‌િસ્ટક તો કામગીરી સંભાળવા આગળ જ આવી નથી, તે જ રીતે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ અને પીપલ ફોર એનિમલના મામલે થયું છે. બીજી તરફ વહીવટીતંત્રમાં ઉચ્ચ સ્તરેથી રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણની કામગીરી વધુ ને વધુ નવી સંસ્થાને સોંપવાના મામલે સંબંધિત અધિકારીઓને આદેશ અપાય છે, જોકે અત્યારે તો ખુદ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે.

You might also like