પાલડીના શિવ મંદિરનો વિવાદ ઉગ્ર બન્યોઃ શ્રદ્ધાળુઓનાં ધરણાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મેયર બીજલબહેન પટેલના પાલડી વોર્ડમાં ગઇકાલે બપોરે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા વર્ષા ફલેટની પાસેના વર્ષો જૂના નર્મદેશ્વર મહાદેવના મંદિરને જેસીબી મશીન લઇને તોડી પાડતાં ભારે વિવાદ સર્જાયો છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓની શિવમંદિરને જમીનદોસ્ત કરવાની કામગીરીમાં શિવલિંગ ઉપરાંત શેષનાગ, શનિદેવ તેમજ હનુમાનજીની મૂર્તિ ખંડિત થવાથી શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગઇ કાલે મેયર સહિતના પદાધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મ્યુનિસિપલ મુખ્યાલયમાં ઉગ્ર રજુઆત કરનાર સ્થાનિક રહેવાસીઓએ આજે સવારે શિવમંદિરના પુનઃનિર્માણની માગણી સાથે ધરણાં યોજયાં હતાં.

પાલડીના વર્ષા ફલેટની પાસે આવેલા સ્કાઉટ ભવનની દીવાલને અડીને છેક વર્ષ ૧૯૭૩ના પુરના સમયથી સ્વયંભૂ સ્થાપિત થયેલાં વર્ષો જૂના નર્મદેશ્વર મહાદેવ મંદિર સાથે આસપાસના રહેવાસીઓ ઉપરાંતના વિસ્તારના રહેવાસીઓની ધાર્મિક લાગણી જોડાયેલી છે.

આ શિવમંદિરને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કોઇપણ જાતની સૂચના આપ્યા વગર તોડી પાડતાં સેંકડો શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ હોઇ આ બાબતે ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

કોમલ એન્કલેવના રહેવાસી સુનીલ આચાર્ય તેમજ અન્ય સ્થાનિક રહેવાસીઓ જનકસિંહ પરમાર, અશ્વિન મોરી વગેરે રોષભેર કહે છે કે, અમને મેયર બીજલબહેને શિવમંદિરને ફરીથી બાંધી આપવાની ખાતરી આપી હોઇ અમે શિવમંદિરના પુનઃનિર્માણની પ્રતીક્ષા કરીશું. એટલે જ આજે માત્ર ધરણાંનો કાર્યક્રમ યોજ્યો છે. અમારી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની પણ માગણી છે.

આની સાથે સાથે તંત્ર દ્વારા નિર્માણાધીન અંજલિ ચાર રસ્તા ફ્લાયઓવર બ્રિજની કામગીરીમાં કપાતમાં ગયેલી મદની મસ્જિદના કેટલાક ભાગનો વિવાદ પણ શિવમંદિરની રજુઆત દરમ્યાન ઉઠ્યો હતો સ્થાનિક ધારાસભ્ય રાકેશ શાહ કહે છે, તંત્ર સાથેના સમાધાન ભાગરૂપે મદની મસ્જિદના ઉપરના ભાગમાં વધારાનું બાંધકામ કરવાની છૂટ અપાઇ છે.

પરંતુ સ્થાનિક લોકોની રજુઆત મળતાં તે બાબતે મેં પંદર દિવસ પહેલાં અને ગઇ કાલે તંત્ર સમક્ષ રજુઆત કરી છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓએ મંજૂરીપાત્ર બાંધકામ ઉપરાંત જો વધારાનું બાંધકામ કરાયું હશે તો તેની સ્થળ તપાસ કરીને તેટલા ભાગને ખુલ્લો કરવાની ખાતરી મને આપી છે.

જો આવું બાંધકામ કરાયું હોય તો તેની તપાસ થવી જોઇએ સ્થાનિક કોર્પોરેટર ડો.સુજય મહેતા કહે છે, અમારા વોર્ડના કોર્પોરેટર આશિષ શાહ સ્થાનિક ધારાસભ્ય રાકેશ શાહ ભાજપના નેતા અને વાસણાના કોર્પોરેટર અમિત શાહ વગેરેની સાથે મેં સત્તાધીશો સમક્ષ શિવમંદિરના પુનઃ નિર્માણ મામલે રજુઆત કરી હતી. જો કે શિવ મંદિરને તોડવાની કામગીરીની અમને કોઇને જાણ ન હતી.

દરમ્યાન એસ્ટેટ ઓફિસર રાજેન્દ્ર જાધવને ક્યા કારણસર અને કોની ફરિયાદના આધારે વર્ષો જૂના શિવમંદિરએ તંત્રે તોડી નાખ્યું તેવો સીધો પ્રશ્ન પૂછતાં તેઓએ આનો ઉત્તર આપવાનું ટાળ્યું હતું. જ્યારે મેયર બીજલબહેન પટેલનો ફોન સંપર્ક થઇ શકયો નથી.

You might also like