નીરવ મોદીના છળ સામે હીરાનું તેજ ઝંખવાયું

નીરવ મોદીના યુ-ટ્યૂબ વીડિયોમાં દેખાતાં તેમનાં કેટલાંક લક્ષણો પરથી તેમના ચરિત્રનો અંદાજ મળે છે.

હીરાની પરખ જોહરીને હોય, પણ એ જોહરી જ છળ આચરવામાં એક્કો હોય તો? રૂપિયા ૧૧,૫૦૦ કરોડનું ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ નીરવ મોદી નામના પાલનપુરના હીરા વેપારીએ આચર્યું છે અને તે આજે પલાયન થઈ ગયો છે. આવો, હીરા કરતાંય વધુ પોતાના છળથી સામેવાળાને આંજી નાખતા નીરવ મોદીના ચરિત્રને સમજવાનો પ્રયત્ન કરીએ…..

 

નીરવ મોદીના યુ-ટ્યૂબ વીડિયોમાં દેખાતાં તેમનાં કેટલાંક લક્ષણો પરથી તેમના ચરિત્રનો અંદાજ મળે છે. વારંવાર તેમની જીભ લપકારા લે છે. મોઢું ખોલ-બંધ થાય છે. ઇન્ટરવ્યૂ લેનારની વાત સાથે જ તેની આંખો પહોળી કે ઝીણી થાય છે. આ અજગર વૃત્તિનાં લક્ષણો છે. કશો વિચાર કર્યા વિના બધંુ જ ગળી જવું.  પરિશ્રમ કર્યા વિના સિસ્ટમને ગળી જવી અને પછી વિલાસોમાં સરી પડવું. હીરા ઉદ્યોગ પર પાલનપુરી જૈન અને મારવાડીઓની પકડ છે. સામાન્ય રીતે મુઠ્ઠીભર મનાતા પાલનપુરી હીરા વ્યવસાયિકો એકબીજાને સમયાંતરે મળતા હોય છે, પરંતુ ૨૦૧૫માં નીરવ મોદીના ‘ફોર્ચ્યુન ઇન્ડિયા’માં છપાયેલા લેખ ‘કેન નીરવ મોદી વિન ન્યૂ યૉર્ક?’માં લેખક પવન લાલને નીરવ મોદી કહે છે, મુંબઈના દરેક હીરા વેપારીને તમે પૂછી જુઓ કે છેલ્લા એક દશકામાં તેઓ નીરવ મોદીને મળ્યા છોે? તો તમને જવાબ મળશે ‘ના.’ આગળ લેખક પવન લાલ લખે છે, ‘આ વાતની ખાતરી કરવા મેં ત્રણ જ્વેલરી સીઈઓને ફોન કર્યા અને ત્રણેય નીરવ મોદીને ઓળખે છે, પરંતુ ક્યારેય રૂબરૂ મળ્યા નથી.’ વાત ખરી છે, નીરવ મોદીએ તો માત્ર બેંકના અધિકારીઓને જ મળવાનું હતું અને તેમની સાથે મિલીભગતથી કરોડો રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કરવાના હતા અને ઇચ્છિત લક્ષ્યાંક હાંસલ કરી લીધા પછી છેલ્લે ચુપચાપ પરિવાર સાથે વિદેશ ભાગી જવાનું હતું. એ માટે તેમને એકદમ ગોપનીય રહેવાનું હતું. તમે ગૂગલ સર્ચ મારશો તો તેના હોંગકોંગ, ન્યૂ યૉર્ક કે દુબઈમાં સ્ટોર લોન્ચિંગ સિવાયના ફોટા પણ ભાગ્યે જ મળશે. આ ફોટાઓમાં પણ તે એકલો જ જોવા મળશે. તેની સાથે તેના સાથીઓ કે પરિવાર નહીં દેખાય. હા, તે વિજય માલ્યાની જેમ મોડેલોથી ઘેરાયેલો જોવા મળશે. નીરવ મોદી બ્રાન્ડની જાહેરાત લિઝા હેડન, કેટ વિન્સલેટ, રોઝી હન્ટીગ્ટન અને પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓએ કરી છે.

હવે નીરવ મોદી બ્રાન્ડની ગ્લોબલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરા કકળાટ કરે છે કે તેને પેમેન્ટ નથી ચૂકવાયું. ગૂગલ પર લિઝા હેડનને નીરવ મોદી સાથે શોધતા બંનેના સાથે ઘણા ફોટોગ્રાફ મળે છે. ઉમેદ ભવન, જોધપુરમાં લિઝા સાથે, લા બિનાલે પેરિસમાં લિઝા સાથે, મેડિસન એવન્યૂમાં લિઝા સાથે… આશા રાખીએ કે લીઝાનું બિલ બાકી નહીં હોય.

હીરા વ્યવસાયિકની ત્રીજી પેઢીનું ફરજંદ નીરવ મોટો થયો એન્ટવર્પમાં અને શિક્ષણ મેળવ્યું અમેરિકામાં. અહેવાલો પ્રમાણે, નીરવના દાદા કેશવલાલ પાલનપુરથી સુરત અને સુરતથી સિંગાપોર ગયા. નીરવના પિતા દીપક એન્ટવર્પ, બેલ્જિયમ ગયા. જોકે બંને નીરવ મોદીના જન્મસ્થળ સાથે મેળ ખાતા નથી. નીરવ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી, વોર્ટન સ્કૂલમાં કૉલેજ કરતા હતા અને બીજા વર્ષે તેમણે ભણવાનું કેમ પડતું મૂક્યું અને બીજી પેઢીના હીરા વ્યવસાયિક પિતાને છોડીને ગીતાંજલી ગ્રુપના માલિક મામા મેહુલ ચોક્સી સાથે કેમ ભારત આવી ગયા એ પણ સમજાતું નથી. કદાચ ૧૯૬૦ના દાયકાની મુક્ત વ્યાપારની નીતિ એ માટે જવાબદાર હોઈ શકે. ખેર, નીરવને વોર્ટનમાંથી ડિગ્રી ન મળી, પણ પત્ની મળી. આ દંપતીને ત્રણ સંતાન છે બે પુત્રી અને એક પુત્ર. નીરવ મોદીના પરિવારને તમે ગૂગલમાં શોધવાની ફિરાકમાં હો તો કશું નહીં મળે. સિવાય કે તેની પત્ની અમીનો વર્ષો પહેલાંનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ.

નીરવ ભારત આવ્યા પછી ૧૦ વર્ષ શું કર્યું તેની આપણને કોઈ વિગતો નથી મળતી અને ૧૯૯૯માં તે ફાયરસ્ટોન ડાયમન્ડ નામે કંપની ખોલે છે જેનું તે પાછળથી નામ બદલીને ફાયરસ્ટાર ડાયમન્ડ રાખે છે. તેમની શરૂઆતની માસ્ટરી ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણેના હીરાની રફની આયાત કરવાની છે. વર્ષો જતાં રિટેલ માટેના શૉ-રૂમ ખોલે છે, લાખો ડૉલરના. મોટા ભાગના અમેરિકામાં. હીરા વેચવામાંથી ડાયમન્ડ જ્વેલરી ડિઝાઇન કરવામાં તબદીલ થવાની સ્ટોરી પણ ચમત્કારિક લાગે એવી છે. ૨૦૦૭માં એક મિત્ર તેમની પાસે ડિઝાઇન માંગે છે. વાત બને છે અને પછી તો ૨૦૧૦માં હોંગકોંગમાં ઓક્શન હાઉસ ક્રિસ્ટીમાં નીરવ મોદી બ્રાન્ડનો ગોલકોન્ડા લોટસ નેકલેસ ૧૬.૨૯ કરોડમાં વેચાય છે. ૨૦૧૨ની સાલની એક મુલાકાતમાં નીરવ કહે છે કે એ હરાજી પછી પણ તેમનું નામ બહુ મોટંુ નહોતું. નામ મોટું બન્યું બ્રિટિશ અભિનેત્રી રોઝી હન્ટીગ્ટનને પોતાની બ્રાન્ડમાં મોડેલ બનાવ્યા પછી. દુનિયાભરના ટોચના જ્વેલરી હાઉસના નામમાં તેમના સ્થાપકનું નામ સંકળાયેલું જોવા મળે છે, પરંતુ અહીં તો નીરવ મોદીએ પોતાના આખા નામની જ બ્રાન્ડ બનાવી દીધી. દુનિયાભરમાં ચર્ચા જગાવી. એમરાલ્ડ વોટરફોલ નેકલેસ, ફ્લેમિંગ સ્ટાર એરિંગ્સ, પિઅર સેલેસ્ટિઅલ રિંગ… આકર્ષક ડિઝાઇનો બનાવી. તેના એક નંગનો ભાવ ૫ લાખ રૂપિયાથી લઈને ૫૦ કરોડ સુધીનો છે. મોગોક રુબી સ્યૂટની કિંમત તો ૧૦૫ કરોડની છે.

નીરવે ક્યારેય મીડિયા સામે આવીને એવું કહેવાનો પ્રયત્ન નથી કર્યો કે ડિઝાઇન બનાવવામાં તેને કેટલો પરસેવો પડ્યો છે. ૮૦૦ લોક અને ૧૬૦૦ ડાયમન્ડ ધરાવતો સ્ટ્રેચેબલ એમ્બ્રેસ કંકણ કેવી રીતે બન્યા તે નથી કહ્યું. ખાલી એટલું જ કહ્યું કે મારી દીકરીના ફ્રેન્ડશિપ બેલ્ટમાંથી પ્રેરણા મળી. ડિઝાઇનો ઉમદા બનાવી પણ તે સ્કેચ નથી બનાવતો. કોને ખબર છે કે પડદા પાછળ તેણે અમેરિકન ડિઝાઇનર જેફ કાન્ટ્રાને નોકરીએ રાખ્યા છે. જેફ પહેલા ફ્રેન્ચ બ્રાન્ડ કાર્વિન ફ્રેન્ચ સાથે કામ કરતા હતા. ત્યાર બાદ તેના પરિવારજનો પત્ની અમી, ભાઈ નિશલ, મામા મેહુલ ચોક્સી ધંધામાં સક્રિય બને છે. સમય જતા તેનો ભાઈ નિશલ મુકેશ અંબાણીની બહેનની પુત્રીને પરણ્યો. આજે આ બધાના નામ પોલીસ સીબીઆઈની એફઆઇઆરમાં છે.

મોદીએ ૧૯૯૯માં પહેલી કંપની સ્થાપી અને ૨૦૧૦માં પોતાના નામની લક્ઝરી ડાયમન્ડ જ્વેલરી બ્રાન્ડ શરૂ કરી. ભારત, હોંગકોંગ, ન્યૂયૉર્ક, ચીન, બ્રિટન… પોતાનો વેપાર કેટલો વિસ્તરી રહ્યો છે તે દેખાડવા નીરવ વૈશ્વિક મંદી વચ્ચે પણ વિદેશમાં વર્ષે અડધો ડઝન કરતાં વધુ નવા શૉ-રૂમ ખોલતો. તેણે દિલ્હી, મુંબઈ, ન્યૂ યૉર્ક, લાસ વેગાસ, હવાઈ, લંડન-બોન્ડ સ્ટ્રિટ, કુઆલાલુમ્પુર, સિંગાપોર, મકાઉ, બીજિંગ…માં શોપ ખોલી. તેણે ઘોષણા કરી હતી કે ૨૦૨૫ની સાલ સુધીમાં ૧૦૦ શોપ ખોલવાનું તેમનું લક્ષ્ય છે.

૨૦૧૬ની સાલમાં ટાઇટેનિક ફેમ હોલિવૂડ અભિનેત્રી કેટ વિન્સ્લેટ નીરવ મોદી બ્રાન્ડની જ્વેલરી પહેરીને ઓસ્કારમાં જોવા મળી. તેણે ઘરેણાં અંગે વાતો કરી અને તેમની સંસ્થાને ગોલ્ડન હેટ ભેટ આપવા બદલ નીરવ મોદી પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી. તમને નવાઈ લાગે તો ભલે લાગે, નીરવ મોદીએ સખાવતી કાર્યો માટે પોતાની પણ એક સંસ્થા ખોલી હતી.

નવેમ્બર ૨૦૧૭માં ૪૭ વર્ષીય નીરવ મોદી લોઅર પરેલની ભવ્ય કોર્પોરેટ ઑફિસમાં શિફ્ટ થાય છે અને ત્યાંથી પોતાનું ગ્લોબલ બિઝનેસ એમ્પાયર ચલાવે છે. તેની ઑફિસ પ્લસ બિલ્ડિંગના ૨૦મા માળે હતી. અહીં પહેલા જ દિવસે તે તેની ડિઝાઇન ટીમ સાથે આગામી લક્ઝરી જ્વેલરી બનાવવા કામ કરતો જોવા મળે છે. ત્યાં સુધી કોઈને અણસાર નથી આવતો કે તે ભારતના સૌથી મોટા ૧૧૫૦૦ કરોડ રૂપિયાના મહાકાય કૌભાંડમાં સંડોવાયેલો છે.

૨૦૧૭ની સાલમાં પ્રિયંકા ચોપરા નીરવ મોદી બ્રાન્ડની ગ્લોબલ એમ્બેસેડર નિયુક્ત થઈ. ક્વોન્ટિકો સ્ટારને સમાવતી એક નીરવ મોદી બ્રાન્ડની જાહેરાતમાં તેને સ્ટુડન્ટ ઓફ ધ ઇયર સિદ્ધાર્થ મલ્હોત્રા પ્રપોઝ કરે છે. ઉત્તેજિત ચોપરા ડિનર બાદ તેના આશિકને યસ કહે છે અને ટેગલાઇન આવે છે- નીરવ મોદી ડાયમન્ડ્સ – સે યસ ફોરેવર. જોકે ટેગલાઇનનો ઉપયોગ નીરવ અન્ય રીતે મોટી લોન લેવામાં કરે છે અને પલાયન થઈ જાય છે. એ આર્ટ કલેક્ટર હતો, પેઇન્ટર

અમૃતા સેરગિલના બોય વિથ લેમન સહિતના ૪૦૦થી વધુ આર્ટવર્કનું કલેક્શન એમની પાસે છે. તેમની પાસે ઘડિયાળોનું પણ કલેક્શન છે. તે ઘરે ગુજરાતી બોલતો નથી. તેને (રોબર્ટ) ફ્રોસ્ટ ઓફ માઇલ્સ ટુ ગો, (એલેક્ઝાન્ડર) ડુમાસ ઓફ મેન ઇન ધ આયર્ન માસ્ક, ડેવિડ ઓગિલ્વીની કન્ફેશન ઓફ એન એડવર્ટાઇઝિંગ મેન વાંચવી ગમે છે. શેતાન હંમેશાં સાધુના વેશમાં આવે છે તે ઉક્તિ નીરવ મોદીના કિસ્સામાં પણ સાચી ઠરે છે. કેમ કે તે પણ હંમેશાં ભગવદ્ગીતાને ઓશિકે રાખીને સૂવે છે. કૌભાંડ પહેલાં ધ હિન્દુને આપેલા છેલ્લા ઇન્ટરવ્યૂમાં નીરવના કહેવા પ્રમાણે તેના મામા મેહુલ ચોક્સીએ ધંધામાં પલોટ્યો હતો. ૧૯ વર્ષની ઉંમરે તે મુંબઈ આવ્યો હતો અને શરૂઆતના ૧૦ વર્ષ સુધી મામા મેહુલ માટે હીરાની ખરીદી અને વેચાણ કરતો હતો. ૧૯૯૯માં ૧૫ કર્મચારીઓ સાથે તેણે પોતાની કંપની ફાયરસ્ટાર ડાયમન્ડ ઇન્ટરનેશનલ સ્થાપી હતી. ૨૦૦૨માં તેની કંપની જ્વેલરી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર બની ગઈ હતી. ૨૦૦૫માં તેણે તેના સૌથી મોટા ગ્રાહક અમેરિકાના ફ્રેડરિક ગોલ્ડમેનથી જ્વેલરી ડિસ્ટ્રિબ્યુશન અને બિઝનેસ માર્કેટિંગ ચાલુ કર્યું. ૨૦૦૭માં તેણે સૌથી જૂની બ્રાઇડલ જ્વેલરી મેન્યુફેક્ચરર કંપની સેન્ડબર્ગ એન્ડ સિલ્કોર્સ્કી ખરીદી લીધી. ૨૦૧૦માં તેની હીરો જ્વેલરી પીસને ક્રિસ્ટીમાં મુકી અને ૧૬ કરોડમાં વેચાઈ એ સાથે તેને વિશ્વભરમાં ખ્યાતિ મળી અને ડિસેમ્બર ૨૦૧૦માં તેણે નીરવ મોદી બ્રાન્ડ લોન્ચ કરી.

માર્ચ ૨૦૧૪માં તેણે રિટેલ સ્ટોર ક્ષેત્રે ઝંપલાવ્યું. પહેલો સ્ટોર ડિફેન્સ કોલોની, નવી દિલ્હીમાં શરૂ કર્યો. ત્યાર બાદ મુંબઈ, હોંગકોંગ, ન્યૂ યૉર્ક, લાસ વેગાસ, હોનોલુલુ, બીજિંગ અને સિંગાપોરમાં સ્ટોર ખોલ્યા. આજે તેના ૧૫ સ્ટોર છે. ઓસ્કારની રેડ કાર્પેટ ઇવેન્ટમાં મહાલતી સેલેબ્રિટી નીરવ મોદીના ક્લાયન્ટ લિસ્ટમાં આવે છે. વિચિત્ર વાત એ છે કે નીરવ મોદી ડિઝાઇનના સ્કેચ બનાવતો નથી. તેના કહેવા પ્રમાણે, હું મારા વિચારો કહું છું અને મારા માણસો તે પ્રમાણે ડિઝાઇન બનાવે છે. કાર્ટર અને ટિફની એન્ડ કું. જેવી કંપનીઓ તેની હરીફ છે. તેનું વર્ક શોપ મુંબઈના પરાવિસ્તાર કુર્લામાં આવેલું છે. તેનો પરિવાર ન્યૂ યૉર્કમાં રહે છે. તેનાં માતાપિતા એન્ટવર્પમાં રહે છે. આજે મહાકાય કૌભાંડને પગલે નીરવ મોદીએ ઊભી કરેલી આભા ઝંખવાઈ ગઈ છે. તેનો બિઝનેસ અનિશ્ચિતતામાં સપડાયો છે.

નીરવ મોદીની ડિઝાઇનની ભારે આભા તળે સૌકોઈની આંખો અંજાઈ જાય છે અને કુશળ જાદુગરની અદાથી તે પંજાબ નેશનલ બેંક પાસેથી ભારતના કરદાતાઓના ૧૧,૦૦૦ કરોડ રૂપિયા લઈને છૂમંતર થઈ જાય છે. અજગર જેવી તેની શરીરમુદ્રા પ્રમાણે કહીએ તો તે પોતાની ક્ષમતા કરતાં પણ મોટો ૧૧,૦૦૦ કરોડનો શિકાર કરીને જંગલમાં પલાયન થઈ ગયો છે.

——-.

કૌભાંડ ૭ વરસ સુધી ઢંકાયેલું કેમ રહ્યું?
નીરવ મોદીની કરણી પછી બેંકોની કરણી પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ તો એ સમજવું બહુ મુશ્કેલ છે કે પંજાબ નેશનલ બેંકની મુંબઈ બ્રાન્ચ અને બેંકોની વિદેશી બ્રાન્ચોમાં નિયમિતપણે ઇન્ટર્નલ અને એક્સ્ટર્નલ ઓડિટ થતંુ હોવા છતાં નીરવ મોદીની હેરફેર પર સાત વર્ષ સુધી પડદો કેમ પડેલો રહ્યો? સિનિયર ઇડી અધિકારીના કહેવા પ્રમાણે, અન્ય બેંકોની વિદેશી બ્રાન્ચોએ પણ લાંબા સમય સુધી કોઈ હલચલ કરી નથી તેથી તે શાખાના અધિકારીઓ પણ શંકાના ઘેરામાં આવે છે. પીએનબી બેંકે ૮ કર્મચારીને સસ્પેન્ડ કરીને બધો દોષનો ટોપલો એકલા તે વખતના ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી ઉપર ઢોળી દીધો છે. મુંબઈની ઝોનલ ઓફિસના ડીજીએમ દ્વારા સીબીઆઈ સમક્ષ ત્રણ કંપનીઓ મેસર્સ ડાયમન્ડ્સ અ યુએસ, મેસર્સ સોલાર એક્સપોટ્ર્સ અને મેસર્સ સ્ટેલર ડાયમન્ડ્સ સામે અને ચાર વ્યક્તિઓ નીરવ મોદી, નિશલ મોદી, અમી નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે ૨૮૦ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

——-.

પડીકા ફેરવવાના એક્કા
કેટલાક હીરા ઉદ્યોગકારો બેંકો સાથે મળીને તે રાઉન્ડ ટ્રિપિંગ એટલે કે પડીકા ફેરવવાના ધંધામાં માહેર હોય છેે. પડીકા ફેરવવા એટલે શું તે એક ઉદાહરણથી સમજીએ. માનો કે હીરા વેપારીએ બેલ્જિયમની એક કંપની પાસેથી ૪ કરોડ ડોલરના કાચા હીરાની ખરીદી કરી. તેમાં તેણે બેંકની બેલ્જિયમની બ્રાન્ચમાંથી ત્રણ મહિના માટે હળવા દરે ધિરાણ મેળવ્યું. આ હીરાને પોલિશ કરીને હોંગકોંગની એક કંપનીને ૭ કરોડ ડોલરમાં નિકાસ કરી. તેને બેંક પાસેથી ૭ કરોડ ડોલરનું પોસ્ટ શિપમેન્ટ ધિરાણ મળી જશે. આ રકમમાંથી તેણે બેલ્જિયમની બેંકનું દેવું ચૂકવી દીધું. હવે હોંગકોંગની કંપની દુબઈની કંપનીને તે હીરાનું પડીકું વેચે છે. દુબઈની કંપની હીરા આયાત માટે બેંક પાસેથી ૪ કરોડની લોન લે છે. આમ એક જ પડીકાની ચારવાર આયાત-નિકાસ કરીને કુલ ૨૦-૨૨ કરોડ ડોલરની લોન લેવામાં આવે છે. આ લોન ચૂકવવાનો સમયગાળો પણ ત્રણ મહિનાથી વધીને ૧૨ મહિના પર પહોંચી જાય છે. ખરીદ વેચાણની બધી કંપનીઓ પોતાની જ હોય એટલે બેંકના પૈસા બીજા ધંધામાં પણ વાપરી શકાય.

——————————–.

You might also like