પ્રભુના ભક્તો સંતોષી જ હોય

વડોદરામાં શ્રીજી મહારાજના પરમ ભક્ત નાથ ભક્ત રહે. શ્રીજી મહારાજની ઇચ્છાથી ઘરનો વ્યવહાર ખૂબ દુર્બળ છતાં સર્વોપરી મહારાજ મળ્યાનો અંતરે આઠે પહોર આનંદને મસ્તી !  એક વખત રાત્રે નાથ ભક્ત ઘરની બહાર ફળિયામાં ખાટલો નાખીને સૂતા હતા. ત્યારે ઘરમાં ચોર પેઠા. નાથ ભક્ત જાગી ગયા છતાં જાગતા ખાટલામાં સૂતા રહ્યા. ચોર આખા ઘરમાં આંટા મારી ફરી પાછા વળ્યા. ઘરની અતિ દુર્બળ પરિસ્થિતિને લઇ એમના હાથમાં કશું ન આવ્યું. તેથી બોલતા નીકળ્યા કે “સાવ લૂખો છે, ઘરમાં કાંઇ ન મળ્યું.”

આ સાંભળી નાથ ભક્ત સૂતા સૂતા બોલ્યા જે, “ભાઇઓ તમે તો અંધારી રાતમાં ઘરમાં આંટા માર્યા પણ હું તો ધોળે દહાડે ઘરમાં આંટા મારું છું, તોય મારા હાથમાં કશું નથી આવતું તો તમારા હાથમાં શું આવે ? આવી આર્થિક પરિસ્થિતિમાંય શ્રીજી મહારાજ પ્રત્યે નિષ્ઠા, ભક્તિ રંજ માત્ર ઓછી નહોતા થવા દેતા. કારણ કે, એમની પાસે આલોકનું ધન નહોતું પણ સંતોષરૂપી મોટું ધન હતું. જે ધન આવવાથી સર્વે ધન ધૂળ સમાન લાગે છે. ગોધન, ગજધન, વાજીધન અૌર રતનધન ખાન; જો આવે સંતોષધન, સબ ધન ધૂલ સમાન.

આવી તો આપણી પરિસ્થિતિ નથી ને કે ઘરમાં કાંઇ ના હોય. ઘરમાં ભગવાને ઘણુંય આપ્યું છે. હવે તો બસ માત્ર નાથ ભક્તના હૃદયમાં જે ભગવાનને વિષે નિષ્ઠા હતી તેેવી નિષ્ઠા જ લાવવાની બાકી છે. તે લાવીએ તો સર્વે સંપૂર્ણ થયું અને જો તેવી નિષ્ઠા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કદાચ આખી દુનિયાની સારામાં સારી અને મોંઘામાં મોંઘી અનેકાનેક વસ્તુઓ પ્રાપ્ત થશે તો પણ સુખ-શાંતિ મળશે નહીં.

જો ભજન કરવું હોય તો બેસો આ નાથ ભક્ત અહોનિશ ભગવાનનું ભજન કર્યા કરે. આ નાથ ભક્તે ભગવાનને ભક્તિ કરીને અત્યંત રાજી કર્યા હતા. તેવી જ રીતે તેમનાં ધર્મપત્નીએ પણ ભગવાનની અને સંતોની ખૂબ જ સેવા કરી હતી. તેથી તેમનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ અનેક મોટા મોટા સંતોની સાથે વિમાન લઇને તેડવા માટે પધાર્યા હતા. તે દર્શન પણ ઘણાંયને થયાં હતાં.

નાથ ભક્તનાં ધર્મપત્ની ધામમાં ગયાં એટલે સૌ લોકો રિવાજ મુજબ રોક્કળ કરવા આવ્યા ત્યારે નાથભક્તે કહ્યું કે, કોઇ રોક્કળ ન કરશો. જો ભજન કરવું હોય તો બેસો… ભગવાનના ધામમાં તે ગયાં છે તેમાં શોક શો કરવાનો ? આવી સમજણ હતી નાથ ભક્તની. નાથ ભક્તને પ્રભુદાસ નામનો દીકરો હતો. તે પણ નાથ ભક્તના સંગે સત્સંગના રંગે રંગાયેલો હતો. તેને સમાધિ થતી હતી. સમાધિમાં જઇ તે મહારાજ પાસેથી ખારેક, સાકર એવી પ્રસાદી પણ લાવતો. તેની સોળ વર્ષની ઉંમર થઇ એટલે મહારાજે તેને ધામમાં લઇ લીધો. તે વખતે નાથ ભક્તે બધાને સાકર વહેંચી ત્યારે લોકો કહેવા લાગ્યા, આ શું કરો છો ? તમારું મગજ ફરી ગયું છે કે શું ? નાથ ભક્ત કહે, એ પ્રભુનો દાસ હતો, પ્રભુએ એને લઇ લીધો.

ભગવાનના ધામમાં જાય એ તો આનંદનો પ્રસંગ છે, આનંદના પ્રસંગમાં સાકર ન વહેંચાય તો બીજું શું વહેંચાય. નાથ ભક્તનાં ધર્મપત્નીને શ્રીજીમહારાજ તેેડી ગયાં. પછી પોતાના દીકરાને ધામમાં તેડી ગયા. છતાં નાથભક્તે કોઇ પ્રકારનો શોક ન કર્યો. તેમને ભગવાનના નિશ્ચયમાં સહેજ પણ ડગમગાટ પણ ન થયો કે ‘હું આટલી ભગવાનની ભકિત કરું છું છતાં મહારાજ કેમ બધાને લઇ જાય છે.’ ઉપરથી દીકરો ધામમાં ગયો ત્યારે સાકર વહેંચી. આવી તેમની સમજણ હતી તથા અટલ નિશ્ચય હતો તેથી જ શ્રીજીમહારાજે ગઢડા મધ્ય પ્રકરણના પ૯મા વચનામૃતમાં ભગવાનના નિશ્ચયમાંથી ડગમગાટ ન થાય તેવાં હરિ ભક્તોના નામ લખ્યાં છે તેમાં પહેલું નામ નાથ ભક્તનું લખ્યું છે.’ આવી ઉચ્ચ કોટિની સ્થિતિ અને સામર્થ્ય હતું નાથ ભક્તનું, માટે જ કીધું છે આવાં સત્સંગનાં અણમોલ રત્નો માટે.

http://sambhaavnews.com/

You might also like