ત્રીજા તબક્કાની 117 બેઠક પર મતદાન : રાહુલ, મુલાયમ, શાહ સહિતના દિગ્ગજોનાંં ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૧૧૭ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી અને અરુણ જેટલી જેવા વીવીઆઈપી મતદારો હોવાના કારણે પણ આ તબક્કો ચર્ચામાં રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૧૯ મે સુધી મતદાનના સાત તબક્કામાં લોકસભાની ૫૪૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. પરિણામ ૨૩ મેના રોજ જાહેર થશે. આજે ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬, કેરળની ૨૦, મહારાષ્ટ્રની ૧૪, કર્ણાટકની ૧૪, ઉત્તરપ્રદેશની ૧૦, છત્તીસગઢની ૭, ઓડિશાની ૬, બિહારની ૫, પશ્ચિમ બંગાળની ૫, આસામની ૪, ગોવાની ૨, જમ્મુ-કાશ્મીર, દાદરા નગર હવેલી, દમણ-દીવ અને ત્રિપુરાની એક-એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ત્રીજા તબક્કાના મતદાનમાં અંદાજે ૧૮.૫૬ કરોડ મતદારો છે. ચૂંટણી પંચે ૨.૧૦ લાખ મતદાન કેન્દ્રો બનાવ્યા છે અને કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભાજપના કાર્યકરોએ એક ચૂંટણી અધિકારીને માર માર્યો હતો. અધિકારી પર એવો આરોપ હતો કે તે મતદારોને સપાના સાઇકલના નિશાન પર બટન દબાવવા કહી રહ્યા હતા. આ બેઠક પર સપાના એસ. ટી. હસન ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ઇમરાન પ્રતાપ ગઢી ચૂંટણી લડી રહ્યા છે.

આજે થઈ રહેલા મતદાનમાં મુલાયમસિંહ યાદવ, જયાપ્રદા, વરુણ ગાંધી, શરદ યાદવ, શશિ થરુર, સુપ્રિયા સૂલે જેવા દિગ્ગજો પણ મેદાનમાં છે. મુલાયમસિંહ મૈનપુરી બેઠક પરથી અંતિમ વખત ચૂંટણી લડી રહ્યા છે. પહેલી વખત કેરળની વાયનાડ બેઠક પણ ખૂબ ચર્ચામાં છે, કેમ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ બેઠક પરથી લડી રહ્યા છે.

બિહારના મધેપુરામાં યુપીએના ઉમેદવાર શરદ યાદવ મેદાનમાં છે, જેમનો મુકાબલો પપ્પુ યાદવ સાથે છે. કર્ણાટકની ગુલબર્ગ બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે લડી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ઓડિશાની પૂરી સીટ પરથી મેદાનમાં છે.

પીએમ મોદી અને અમિત શાહ સામે તેમના ગઢ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તથા ઉત્તરપ્રદેશમાં ગત ચૂંટણીમાં જીતેલી બેઠકો જાળવી રાખવાનો મોટો પડકાર છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એનડીએને ત્રીજા તબક્કાની ૧૧૭માંથી ૬૭ બેઠકો જીતી હતી, પણ હવે સમીકરણો થોડાં બદલાઈ ગયાં છે.

ભાજપ એ વખતે એકલાહાથે ૬૨ બેઠક જીતવામાં સફળ રહ્યો હતો. યુપીમાં સપા-બસપા-આરએલડી, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી અને કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનથી ભાજપનો ખેલ બગડી શકે છે. આ ઉપરાંત ગુજરાત અને છત્તીસગઢમાં કોંગ્રેસનું વર્ચસ્વ વધ્યું છે અને તેનાથી ભાજપ નેતાગીરીએ પહેલી વખત ગુજરાત પર આટલું ફોકસ કરવાની ફરજ પડી છે.

ત્રીજા તબક્કાની ૧૧૭ લોકસભા બેઠકમાંથી યુપીએ પાસે ૨૬ બેઠક છે. તેમાંથી કોંગ્રેસ પાસે ૧૬ બેઠક છે. કેરળની ૨૦માંથી આઠ બેઠક કોંગ્રેસે જીતી હતી. આ ઉપરાંત કર્ણાટકની ૧૪માંથી ૩, બંગાળની પાંચમાંથી ત્રણ, બિહારની પાંચમાંથી એક અને છત્તીસગઢની સાતમાંથી એક બેઠક જીતવામાં કોંગ્રેસ સફળ રહી હતી. આ ઉપરાંત કોંગ્રેસના સહયોગી પક્ષ એનસીપીની ત્રણ, આરજેડીની બે, મુસ્લિમ લીગ બે, આરએસપી એક અને કેરળ કોંગ્રેસ એક બેઠક જીતી હતી.

મુર્શિદાબાદમાં અથડામણ: ટીએમસીના ત્રણ કાર્યકર ઘાયલ
સંવેદનશીલ ગણાતા મુર્શિદાબાદમાં ચૂંટણીપંચ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં પણ મતદાન દરમિયાન અથડામણની ઘટના સામે આવી છે. મુર્શિદાબાદના વોર્ડ નંબર-૭માં આ ઘટના બની હતી, જેમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ત્રણ કાર્યકરને ઈજા થઈ છે.

You might also like