રાતે ઘરમાં ઘૂસેલા સાપે ડંશ મારતાં યુવાનનું મોત

અમદાવાદ: વરસાદની સિઝનમાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ઝેરી સાપ અને જીવજંતુઓ બહાર નીકળતાં હોય છે, જેના કારણે લોકો ભયમાં મુકાય છે. અમદાવાદ નજીક આવેલા કમોડ ગામમાં રહેતા એક યુવકના ઘરમાં સાંજના સમયે સાપ ઘૂસી ગયો હતો અને યુવકને ડંશ માર્યો હતો, જોકે યુવકે તે સમયે તાત્કાલિક સારવાર લીધી ન હતી અને બીજા દિવસે સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ થયો હતો, જ્યાં તેનું ગઈ કાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અસલાલી પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના દસક્રોઇ તાલુકાના કમોડ ગામના રોહિતવાસમાં રમણભાઈ માલાભાઈ મકવાણા (ઉ.વ.૪૦) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત ૧૯ જુલાઈના રોજ સાંજે તેઓ ઘરે હાજર હતા ત્યારે એકાએક તેમના ઘરમાં ઝેરી સાપ ઘૂસી આવ્યો હતો અને રમણભાઈને ડંશ માર્યો હતો. તે સમયે પ્રાથમિક ઉપચાર તેઓએ કર્યો હતો, જોકે બીજા દિવસે દર્દ ઉપડતાં તેઓને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ગઈ કાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અસલાલી પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી છે.

ઉલ્લેખનીય છે કે વરસાદની સિઝનમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી જીવજંતુઓ અને સાપ નીકળવાની ઘટના બનતી હોય છે, જેથી લોકોએ સાવધ રહેવું પડે છે.
http://sambhaavnews.com/

You might also like