જેટ-એતિહાદ વચ્ચેની ડીલ અટવાઈઃ અબુધાબીની તમામ ફ્લાઈટ રદ

જેટ એરવેઝે અબુધાબીની તમામ ફ્લાઇટ આજથી અચોક્કસ મુદત માટે બંધ કરી દીધી છે. એરલાઇને આ માટે ઓપરેશનલ કારણ હોવાનું જણાવ્યું છે. એતિહાદ એરપોર્ટે પણ આ સંદર્ભમાં પ્રવાસી માટે નોટિફિકેશન જારી કર્યું હતું. જેટ એરવેઝના આ નિર્ણયથી અબુધાબી માટેના યાત્રીઓને મુશ્કેલી પડવાના નિર્દેશ છે.

દરમિયાન જેટ એરવેઝને બચાવવા માટેની ડીલ અટવાઇ ગઇ છે. કંપનીને લોન આપનારી બેન્કોએ જેટની ભાગીદાર કંપની એતિહાદ એરવેઝને જણાવ્યું છે કે જો તેને કંપનીને બચાવવાની શરતો મંજૂર ન હોય તો એતિહાદે આ ડીલમાંથી બહાર નીકળી જવું જોઇએ, જેથી કોઇ નવા રોકાણકાર લાવી શકાય.

ખોટનો સામનો કરી રહેલ જેટને બચાવવાનાે પ્લાન આમ અટવાઇ ગયો છે. એતિહાદ પ્રતિશેર રૂ. ૧૫૦ના ભાવે કંપનીમાંથી પોતાની ભાગીદારી વેચી શકે છે. આર્થિક સંકટ અને લીઝ ચૂકવવામાં નિષ્ફળ જનાર જેટ એરવેઝે અત્યાર સુધી પોતાના ૫૩ વિમાન ભૂમિગત કરી દીધાં છે. જેટ એરવેઝ છેલ્લા કેટલાય સમયથી પાઇલટ, એન્જિનિયર અને અન્ય કર્મચારીઓના પગાર પણ નિયમિત ચૂકવવામાં નિષ્ફળ રહી છે.

પાઇલટ એસોસિયેશને સરકારને દરમિયાનગીરી કરવા અપીલ કરી છે. જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે પણ એતિહાદ એરવેઝના ગ્રૂપ સીઇઓ ટોની ડગ્લાસને ૮ માર્ચે પત્ર લખીને રૂ. ૭૫૦ કરોડની મદદ કરવા જણાવ્યું હતું. જેટ એરવેઝનું દેવુ રૂ. ૮૨૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે. માર્ચના અંત સુધીમાં તેણે રૂ. ૧૭૦૦ કરોડ સુધીનું પેમેન્ટ કરવાનું છે.

સરકાર અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ પણ નારાજ છે. એતિહાદ જો હવે પોતાના હિસ્સાના શેર વેચવાની ઓફર કરી રહી હોય તો હવે બાયર્સ ક્યાંથી આવશે તે પ્રશ્ન ઊભો થયો છે.

You might also like