17 જૂને ઓક્ટોપસ નહીં, અચિલ્સ બિલાડી જણાવશે: ‘કોણ જીતશે વર્લ્ડકપ’

સેન્ટ પીટર્સબર્ગઃ રશિયામાં ૧૪ જૂનથી શરૂ થઈ રહેલા ફિફા વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ થવાની સાથે-સાથે અટકળોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે કે આ વખતે ફૂટબોલ મહાકુંભની ટ્રોફી કોણ જીતશે. આ અંગેની સાચી જાણ તો ૧૫ જુલાઈએ જ થશે, જ્યારે બે સર્વશ્રેષ્ઠ ટીમ ફાઇનલમાં ટકરાશે.

ફૂટબોલની રમતના કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે જર્મની ખિતાબ જીતશે, જ્યારે કેટલાક લોકો સ્પેન, ફ્રાંસ અને બ્રાઝિલ પર પણ દાવ લગાવી રહ્યા છે. લિયોનલ મેસીની આર્જેન્ટિનાની ટીમને પણ ઓછી આંકવી મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

આ સ્થિતિમાં ચેમ્પિયન કોણ બનશે તેની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, પરંતુ આ વખતે પણ કોઈક એવું છે, જે અગાઉથી જ જણાવી દેશે કે ફૂટબોલ વર્લ્ડકપમાં ચેમ્પિયન કોણ બનશે. જરા યાદ કરો ૨૦૧૦ના ફૂટબોલ વર્લ્ડકપને, એ સમયે પોલ ઓક્ટોપસે સચોટ ભવિષ્યવાણી કરી જણાવી દીધું હતું કે સ્પેન ચેમ્પિયન બનશે અને થયું હતું પણ એવું જ. આ વખતે રશિયામાં એક બિલાડી ભવિષ્યવાણી કરશે કે કઈ ટીમ ચેમ્પિયન બનશે.

સૌથી પહેલાં ૪૮ ગ્રૂપ રમાશે, ત્યાર બાદ અંતિમ ૧૬ માટે મેચ રમાશે. આઠ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવશે. ત્યાર બાદ સેમિફાઇનલ અને પછી ૧૫ જુલાઈએ ફાઇનલ રમાશે. એટલે કે ચેમ્પિયન નક્કી થવા માટે હજુ ઘણો સમય છે, પરંતુ ‘અચિલ્સ’ નામની બિલાડી આગાહી કરવાની છે.

સફેદ રંગની આ બિલાડી સેન્ટ પીટર્સબર્ગના હર્મિટેજ મ્યુઝિયમમાં રહે છે. હાલ તે ખાસ રીતની ટ્રેનિંગ લઈ રહી છે. વર્લ્ડકપ શરૂ થયા પછી ૧૭ જૂને આ બિલાડી ભવિષ્યવાણી કરશે. આ બિલાડી પર મોટી જવાબદારી રહેશે, કારણ કે ૨૦૧૦માં પોલ ઓક્ટોપસે એકદમ સચોટ ભવિષ્યવાણી કરી હતી. જોકે આવું પહેલી વાર નહીં બને. અચિલ્સે ૨૦૧૭ના કન્ફડેરેશન કપમાં પણ ભવિષ્યવાણી કરી હતી.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે અચિલ્સ સાંભળી નથી શકતી, જેનો સીધો અર્થ એ છે કે કોઈ તેનું ધ્યાન ભટકાવી નહીં શકે. ભવિષ્યવાણી માટે મેચ પહેલાં ખાવાના બે બાઉલ તેની સામે રખાશે, જે બંને પર બંને ટીમના ધ્વજ હશે.

You might also like